Ind vs Eng: એન્ડરસનની ઓવરમાં કોહલી આઉટ થતા ઇગ્લેન્ડના ફેન્સે કરી શરમજનક હરકત, વીડિયો થયો વાયરલ
ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં જ 78 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે.
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ ખરાબ દેખાવ કર્યો હતો. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં જ 78 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતના ફક્ત બે જ બેટ્સમેનો બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. ઓપનર રોહિત શર્મા 19 અને રહાણે 18 રન બનાવી શક્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત સાત રન બનાવી આઉટ થયો હતો. તેને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો. એન્ડરસને કોહલીને આઉટ કર્યો તો સ્ટેડિયમમાં હાજર ઇગ્લેન્ડના ફેન્સ ઉત્સાહિત થઇ ગયા હતા. કેટલાક ફેન્સે વિરાટને 'cheerio' (ગુડબાય) કહી બાય-બાયનો ઇશારો કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયો ઇગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓફિશિયલ ફેન ગ્રુપ બાર્મી આર્મીના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે વિરાટ કોહલી આઉટ થઇને પેવેલિયન તરફ જઇ રહ્યો હોય છે તે દરમિયાન ઇગ્લેન્ડના ફેન્સ તેને ગુડબાય કહી રહ્યા છે. ઇગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં કોહલી કાંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગમાં કોહલીએ ફક્ત 69 રન બનાવ્યા છે.
પ્રથમ ટેસ્ટમાં કોહલી કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો અને ભારતની પ્રથમ ઇનિંગમાં પહેલા જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. કોહલીને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો. જ્યારે લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટ મેચમાં કોહલી પ્રથમ ઇનિંગમાં 42 અને બીજી ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી તેને 21 મહિના થઇ ગયા છે.