પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Team India Big Changes In Playing Eleven: તેંડુલકર-એન્ડરસન સીરિઝની આ છેલ્લી મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

Ind vs Eng Fifth Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. આ મેચ 31 જૂલાઈથી 4 ઓગસ્ટ સુધી રમાશે. તેંડુલકર-એન્ડરસન સીરિઝની આ છેલ્લી મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહ આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, તેથી બુમરાહના પાંચમી ટેસ્ટમાં રમવા પર શંકા છે. ઋષભ પંત પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર છે.
ઋષભ પંતની જગ્યાએ કોને તક મળશે?
માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે છેલ્લી ટેસ્ટ પહેલા શ્રેણીમાંથી બહાર છે. પંતની જગ્યાએ નારાયણ જગદીશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલને પંતના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. પંત રિટાયર્ડ હર્ટ થયા બાદ ધ્રુવ જુરેલ ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો.
શું જસપ્રીત બુમરાહ બહાર રહેશે?
મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહ વિશે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચમાંથી ફક્ત ત્રણ જ રમશે. બુમરાહ આ શ્રેણીની ત્રણેય મેચ રમી ચૂક્યો છે, તેથી પાંચમી મેચમાં બુમરાહ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
શું કુલદીપ યાદવને તક મળશે?
અંશુલ કંબોજને માન્ચેસ્ટર ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી, જેમાં તે કંઈ ખાસ કરી શક્યો નહીં. પ્રથમ ટેસ્ટથી ચોથી ટેસ્ટ સુધી કુલદીપ યાદવ બેન્ચ પર બેસીને તક શોધી રહ્યો છે. કુલદીપ યાદવને ઇંગ્લેન્ડ સામે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયા માટે વિકેટ લેનાર સાબિત થઈ શકે છે.
ઈજાને કારણે પંત પાંચમી ટેસ્ટમાંથી બહાર
માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થવાને કારણે ઋષભ પંત સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઇ મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખશે. મેન્સ પસંદગી સમિતિએ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે 31 જૂલાઈથી શરૂ થનારી પાંચમી ટેસ્ટ માટે ઋષભ પંતની જગ્યાએ નારાયણ જગદીશનનો ટીમમાં સમાવેશ કર્યો છે.




















