Virat Kohli Debut: વિરાટ કોહલીએ 14 વર્ષ અગાઉ આજના દિવસે કર્યુ હતુ ડેબ્યૂ, ઓપનર તરીકે બનાવ્યા હતા આટલા રન
આજના દિવસે (18 ઓગસ્ટ) ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ દિવસ છે. 14 વર્ષ પહેલા આજના દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
Virat Kohli Debut: આજના દિવસે (18 ઓગસ્ટ) ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ દિવસ છે. 14 વર્ષ પહેલા આજના દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેની ડેબ્યૂ મેચ યાદગાર રહી નહોતી.
View this post on Instagram
આનું કારણ એ છે કે કોહલી તેની ડેબ્યૂ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. શ્રીલંકા સામે રમાયેલી વનડેમાં પણ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા તે મેચમાં 46 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને શ્રીલંકાએ 34.5 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી.
ધોનીની કપ્તાની હેઠળ ઓપનર તરીકે ડેબ્યુ કર્યું હતું
વિરાટ કોહલીએ તેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. આ પછી કોહલીને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટશીપમાં ઓપનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં કોહલીએ 22 બોલ રમ્યા હતા અને માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો.
જો કે આ પછી વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહલીએ તે પાંચ મેચની વનડે શ્રેણીમાં 159 રન બનાવ્યા હતા. તે ભારતનો બીજો અને એકંદરે ચોથો ટોપ સ્કોરર હતો. તે ડેબ્યૂ સિરીઝમાં કોહલીએ પણ એક મેચમાં 54 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતીય ટીમે શ્રેણી 3-2થી કબજે કરી લીધી હતી.
આ સિરીઝ પછી વિરાટ કોહલીએ પાછું વળીને જોયું નથી. તેણે જૂન 2010માં ઝિમ્બાબ્વે પ્રવાસથી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બરાબર એક વર્ષ પછી જૂન 2011માં તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું. કોહલીએ અત્યાર સુધી ટેસ્ટમાં 27 અને વનડેમાં 43 સદી ફટકારી છે. તે સૌથી વધુ 70 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો ખેલાડી છે.
કોહલી હાલમા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તે લગભગ પાંચ મહિના સુધી આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો અને અઢી વર્ષથી વધુ સમય સુધી સદી પણ ફટકારી શક્યો ન હતો. કોહલીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે કોલકાતા ડે-નાઈટ ટેસ્ટમાં ફટકારી હતી.
વિરાટ કોહલીએ અત્યાર સુધી 102 ટેસ્ટમાં 8074 રન અને 262 વનડેમાં 12344 રન બનાવ્યા છે. કોહલીના નામે 99 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3308 રન છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 254 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. જ્યારે વનડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે. તે T20માં સદી ફટકારી શક્યો નહોતો.