'ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત', PM મોદીએ મહિલા વર્લ્ડકપ જીતવા પર ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ટીમને ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને આ જીત ભવિષ્યની પેઢીઓને રમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપશે.
A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…
— Narendra Modi (@narendramodi) November 2, 2025
પીએમ મોદીએ લખ્યું હતું કે, "ICC મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમ માટે એક શાનદાર જીત. ફાઇનલમાં ઉત્તમ કૌશલ્ય અને અપાર આત્મવિશ્વાસ બતાવ્યો. આખી ટીમે બમણી મહેનત અને જુસ્સો દર્શાવ્યો. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને પ્રેરણા આપશે. આપણા ખેલાડીઓને અભિનંદન."
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિનંદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું હતું કે ભારતીય મહિલાઓએ પહેલીવાર આ ટાઈટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને આજે તેમની પ્રતિભા અને પ્રદર્શન દ્વારા દેશને આ મહાન સન્માન અપાવ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ મહિલા ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જશે. મને ભારતીય ખેલાડીઓની ભાવના અને સિદ્ધિ પર ખૂબ ગર્વ છે.
સચિન તેંડુલકરે અભિનંદન આપ્યા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે લખ્યું હતું કે, "1983ની જીતે આખી પેઢીને મોટા સપના જોવા અને તે પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી. આજે આપણી મહિલા ક્રિકેટ ટીમે ખરેખર કંઈક ખાસ સિદ્ધ કર્યું છે. તેમણે દેશભરની અસંખ્ય છોકરીઓને બેટ અને બોલ ઉપાડવા, મેદાનમાં ઉતરવા અને વિશ્વાસ રાખવા માટે સશક્ત બનાવી છે કે એક દિવસ તેઓ પણ આ ટ્રોફી ઉપાડી શકશે. ભારતીય મહિલા ક્રિકેટની સફરમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે. શાબાશ, ટીમ ઈન્ડિયા. તમે આખા દેશને ગૌરવથી ભરી દીધો છે."
અમિત શાહ અને સીએમ યોગીએ પણ ટ્વીટ કર્યું
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું હતું કે, "વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને સલામ. આ દેશ માટે ગર્વની ક્ષણ છે કારણ કે અમારી ટીમે #ICCWomensWorldCup2025 ટ્રોફી જીતીને ભારતની પ્રતિષ્ઠાને આકાશ સુધી પહોંચાડી દીધી છે. તમારી ઉત્તમ ક્રિકેટ સ્કિલ્સે લાખો છોકરીઓને પ્રેરણા આપવાનો માર્ગ મોકળો કર્યો છે. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન."
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું હતું કે, "ઐતિહાસિક વિજય... વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર્દિક અભિનંદન. દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન. તમે બધા રાષ્ટ્રનું ગૌરવ છો. ભારત માતા કી જય." વિદેશ મંત્રી એસ. જયશંકરે લખ્યું, "2025 #WomensWorldCup માં શાનદાર વિજય માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન. આ ભારતીય ક્રિકેટ માટે ગર્વની ક્ષણ છે."
"હરમન અને સમગ્ર ટીમને અભિનંદન"
વિરાટ કોહલીએ પોતાની અભિનંદન પોસ્ટમાં લખ્યું હતું કે, "છોકરીઓએ ઇતિહાસ રચ્યો છે અને એક ભારતીય તરીકે મને ખૂબ ગર્વ છે. વર્ષોની મહેનત આખરે રંગ લાવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ પર હરમન અને સમગ્ર ટીમને અભિનંદન. પડદા પાછળ સખત મહેનત કરનાર સમગ્ર ટીમ અને મેનેજમેન્ટને સલામ. શાબાશ, ટીમ ઈન્ડિયા. આ ક્ષણને સંપૂર્ણ રીતે જીવો. આવનારી પેઢીઓ તમારાથી પ્રેરિત થશે."




















