IND vs ENG: બીજી ઈનિંગમાં સદી ના ફટકારી શક્યો વિરાટ, આવતી ટેસ્ટ સુધીમાં સદી વગરના 1000 દિવસ પુરા થશે
કોહલીએ પ્રથમ ઇનિંગમાં 19 બોલમાં 11 અને બીજી ઇનિંગમાં 40 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ સાથે હવે ફેન્સને કોહલીની 71મી સદી માટે વધુ રાહ જોવી પડશે.
INDIA vs ENGLAND: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ વર્ષ 2021માં રમાયેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ છે. સિરીઝની છેલ્લી મેચ કોરોનાને કારણે ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. આ મેચમાં વિરાટ કોહલી ભારતની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો. કોહલીએ પ્રથમ ઇનિંગમાં 19 બોલમાં 11 અને બીજી ઇનિંગમાં 40 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ સાથે હવે ફેન્સને કોહલીની 71મી સદી માટે વધુ રાહ જોવી પડશે.
છેલ્લી ટેસ્ટમાં 31 રન બનાવ્યાઃ
વિરાટ કોહલીએ 23 નવેમ્બર 2019ના રોજ કોલકાતામાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 27મી સદી હતી. ત્યારથી ફેન્સ કોહલીની સદીની સતત રાહ જોઈ રહ્યા છે. એવી અટકળો હતી કે, તે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારી શકે છે. પરંતુ ભારતે બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને આ મેચમાં વિરાટ માત્ર 31 રન જ બનાવી શક્યો હતો.
હવે નવેમ્બરમાં ટેસ્ટ સિરીઝ રમાશેઃ
ભારતીય ટીમ આ વર્ષે હવે થોડા મહિનાઓ સુધી કોઈ ટેસ્ટ મેચ રમશે નહીં. T20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારત ઘણી દ્વિપક્ષીય T20 સિરીઝ રમશે. વર્લ્ડ કપ પુર્ણ થયા બાદ ભારતીય ટીમ નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી વિરાટ કોહલી આગામી ટેસ્ટ મેચ રમશે, ત્યાં સુધીમાં તે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સદી વિના 1000 દિવસથી વધુ સમય પસાર કરી ચૂક્યો હશે.
આ પણ વાંચોઃ
હા, આ EDની સરકાર છે... મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ ફડણવીસે જણાવ્યો EDનો મતલબ...