FIFA WC 2022: મેક્સિકો સામે આર્જેન્ટિનાનો 2-0થી વિજય, મેસ્સી અને ફર્નાડેઝે કર્યા ગોલ
FIFA વર્લ્ડ કપ 2022 આર્જેન્ટિનાએ આખરે કરો યા મરોની મેચમાં મેક્સિકોને હાર આપી હતી
Argentina Vs Mexico: FIFA વર્લ્ડ કપ 2022 આર્જેન્ટિનાએ આખરે કરો યા મરોની મેચમાં મેક્સિકોને હાર આપી હતી. શનિવારે (26 નવેમ્બર) મોડી રાત્રે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-0થી હરાવ્યું અને આગામી રાઉન્ડમાં પહોંચવાની તેની આશા જાળવી રાખી હતી. આર્જેન્ટિના તરફથી આ મેચમાં લિયોનેલ મેસ્સી અને એન્ઝો ફર્નાન્ડિઝે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાના આ વિજયે ગ્રુપ-Cમાં રાઉન્ડ ઓફ 16 રેસને રસપ્રદ બનાવી દીધી છે.
Argentina’s #FIFAWorldCup hopes stay alive! 🇦🇷@adidasfootball | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 26, 2022
સાઉદી અરેબિયા સામે તેમની પ્રથમ મેચ હાર્યા બાદ આર્જેન્ટિના માટે તે કરો યા મરો મેચ હતી. જો મેસ્સીની ટીમ અહીં હારી ગઈ હોત તો તેના માટે રાઉન્ડ ઓફ 16ના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હોત. ડ્રોની સ્થિતિમાં પણ તેની બહાર થવાની સંભાવના વધુ હતી. પરંતુ અહીં મેસ્સીનો જાદુ કામ કરી ગયો અને આર્જેન્ટિનાએ મહત્વની મેચ જીતી લીધી હતી.
It's all up for grabs in Group C 👀 Which two sides will advance?#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 26, 2022
મેચની શરૂઆતમાં મેક્સિકોની ટીમ આર્જેન્ટિના પર ભારે પડી રહી હતી. મેક્સિકોએ પ્રથમ હાફમાં કેટલીક સારી તકો ઉભી કરી હતી, જો કે તેઓ તેને ગોલમાં બદલી શક્યા ન હતા. પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. બીજા હાફમાં આર્જેન્ટિનાએ જોરદાર શરૂઆત કરી હતી. આર્જેન્ટિનાની ફોરવર્ડ લાઇન સતત ગોલપોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કરતી રહી. ટીમને 64મી મિનિટે સફળતા મળી હતી. અહીં, એન્જલ ડી મારિયાના પાસ પર લિયોનેલ મેસ્સીએ ગોલ કર્યો હતો.
આ ગોલ બાદ મેક્સિકોએ બરાબરી કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. અહીં આર્જેન્ટીનાનો વધુ એક ગોલ 87મી મિનિટે આવ્યો હતો. સબસ્ટિટ્યૂટ ખેલાડી એન્ઝો ફર્નાન્ડિઝે શાનદાર ગોલ કરીને પોતાની ટીમની લીડ બમણી કરી હતી. આ જીત સાથે આર્જેન્ટિના હવે ગ્રુપ-સીમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
ગ્રુપ-સીમાં આર્જેન્ટિના, મેક્સિકો, પોલેન્ડ અને સાઉદી અરેબિયાની ટીમો છે. આ ગ્રૂપની માત્ર છેલ્લી બે મેચો રાઉન્ડ ઓફ 16 ટિકિટને ફાઈનલ કરશે. અહીં પોલેન્ડ (4) ટોપ પર છે. આર્જેન્ટિના (3) બીજા અને સાઉદી અરેબિયા (3) ત્રીજા નંબરે છે. મેક્સિકો (1) છેલ્લું છે. છેલ્લી બે મેચમાં આર્જેન્ટિનાનો મુકાબલો પોલેન્ડ અને મેક્સિકોનો સામનો સાઉદી અરેબિયા સામે થશે.