IND vs ENG: કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચમાં 'નિષ્ફળ' શુભમન ગિલ, જાણો ભારતની હારના ત્રણ મોટા કારણો
IND vs ENG: ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હરાવી હતી. આ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ કુલ 7 સદી અને 3 અડધી સદી ફટકારી હતી

Reasons Why India Lost First Test: ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હરાવી હતી. આ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ કુલ 7 સદી અને 3 અડધી સદી ફટકારી હતી અને મેચમાં કુલ 1,673 રન બનાવ્યા હતા. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારત પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યું હતું પરંતુ તે પહેલી ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. છેવટે લીડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો કયા હતા?
- ભારતે 72 રનની અંદર 13 વિકેટ ગુમાવી દીધી
ભારતની હારનું એક મુખ્ય કારણ નીચલા ક્રમની બેટિંગની નિષ્ફળતા હતી. પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ એક સમયે ફક્ત 3 વિકેટ ગુમાવીને 430 રન કર્યા હતા. આગામી 41 રનની અંદર ભારતીય ટીમે બાકીની 7 વિકેટ ગુમાવી દીધી. જ્યારે બીજી ઇનિંગ પણ નીચલો ક્રમ ખરાબ રીતે ફ્લોપ ગયો. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ એક સમયે 5 વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા હતા પરંતુ આગામી 31 રનમાં બાકીની 5 વિકેટ પણ પડી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે માત્ર 72 રનમાં 13 વિકેટ ગુમાવી દીધી.
- ભારતે અસંખ્ય કેચ છોડ્યા
લીડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હારનું એક મોટું કારણ નબળી ફિલ્ડિંગ પણ બની. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં અસંખ્ય કેચ છોડ્યા હતા. આ મેચમાં એકલા યશસ્વી જયસ્વાલે 4 કેચ છોડ્યા હતા. પ્રથમ ઇનિંગમાં હેરી બ્રુકનો કેચ શૂન્યના સ્કોર પર છોડ્યો હતો. જેનું પરિણામ એ આવ્યું કે તે 99 રન કરીને આઉટ થયો. જો બ્રુક વહેલા આઉટ થયો હોત, તો ભારત પ્રથમ ઇનિંગમાં 6 રનને બદલે મોટી લીડ મેળવી શક્યું હોત. બીજી તરફ બીજી ઇનિંગમાં જયસ્વાલે 97ના સ્કોર પર ડકેટનો કેચ છોડ્યો હતો. જો ડકેટ તે મહત્વપૂર્ણ ક્ષણે આઉટ થયો હોત તો આખી મેચ પલટી ગઈ હોત.
- ચોથી ઇનિંગમાં નબળી ફિલ્ડિંગ
ચોથી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 371 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ચોથા દિવસના અંત સુધીમાં ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા. આવી સ્થિતિમાં પાંચમા દિવસે 350 રન વધુ કરવાના હતા. ક્રિકેટના ઇતિહાસમાં લીડ્સના મેદાન પર ફક્ત બે વાર 350 પ્લસનો રનનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો છે. પાંચમા દિવસે 350 રનનો પીછો કરવો એ મોટી વાત છે, તે દરમિયાન બેન ડકેટ અને જેક ક્રોલી સેટ હતા. 188 રનની તેમની ઓપનિંગ ભાગીદારી ભારતની જીતની શક્યતાઓને નબળી બનાવી રહી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ગિલે ફિલ્ડિંગને મજબૂત કરીને મેચને ડ્રો તરફ વાળવાનો પ્રયાસ કરવો જોઈતો હતો. ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગમાં 44 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.





















