IPL 2025: એલિમિનેટર મેચ રદ્દ થશે તો આ ટીમ થઇ જશે બહાર, ચોંકાવનારો છે આ નિયમ
IPLની એલિમિનેટર મેચ પ્લેઓફનો તે તબક્કો છે, જ્યાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો એકબીજા સાથે ટકરાય છે

ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ના પ્લેઓફ 29 મેથી શરૂ થવા જઈ રહ્યા છે. આરસીબી અને પંજાબની ટીમો ક્વોલિફાયર-1 માં એકબીજા સામે ટકરાશે. એલિમિનેટર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ 30 મે 2025ના રોજ મોહાલીના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યાં બંને ટીમો ફાઇનલની રેસમાં રહેવા માટે એકબીજા સાથે ટકરાશે અને હારનાર ટીમ લીગમાંથી બહાર થઈ જશે. પરંતુ જો આ મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ થાય છે તો કઈ ટીમ બહાર થશે તે એક મોટો પ્રશ્ન છે.
જો એલિમિનેટર મેચ રદ થાય છે, તો કોણ બહાર થશે?
IPLની એલિમિનેટર મેચ પ્લેઓફનો તે તબક્કો છે, જ્યાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો એકબીજા સાથે ટકરાય છે. આ મેચની વિજેતા ટીમ ક્વોલિફાયર-2 માં પ્રવેશ કરે છે, જ્યાં તેને ફાઇનલમાં પહોંચવાની તક મળે છે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ, બંને આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરવા માટે અહીં પહોંચ્યા છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ જેવી રહેશે, જે પણ હારશે, તેની સફર અહીં જ સમાપ્ત થશે.
પરંતુ BCCI એ આ મહત્વપૂર્ણ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી, જેના કારણે વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ રદ થવાની સ્થિતિમાં લીગ સ્ટેજમાં ચોથા ક્રમે રહેનાર ટીમ સીઝનમાંથી બહાર થઈ જશે. લીગ સ્ટેજમાં ગુજરાત ત્રીજા અને મુંબઈ ચોથા ક્રમે હતું. આનો અર્થ એ થયો કે જો મેચ રદ થાય છે તો મુંબઈ ઇન્ડિયન્સ IPL 2025માંથી બહાર થઈ જશે અને ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર-2 માં પોતાનું સ્થાન કન્ફર્મ કરશે, જ્યાં તેઓ ક્વોલિફાયર-1 હારી ગયેલી ટીમનો સામનો કરશે.
આ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે
પ્લેઓફમાં ફાઇનલ સહિત કુલ 4 મેચ રમાશે. આમાંથી બે મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આ મેચો ક્વોલિફાયર-1 અને એલિમિનેટર છે. ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આ બંને મેચ નિર્ધારિત દિવસે પૂર્ણ ન થાય તો મેચ બીજા દિવસે પણ રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાંથી અટકશે ત્યાંથી શરૂ થશે.




















