IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહર ઈજાના કારણે IPL 2022માંથી બહાર થઈ ગયો છે. આ સિઝનમાં તે એક પણ મેચ રમી શક્યો નથી.
IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહર ઈજાના કારણે IPL 2022માંથી બહાર થઈ ગયો છે. આ સિઝનમાં તે એક પણ મેચ રમી શક્યો નથી. જો કે તે પરત ફરે તેવી અપેક્ષા હતી, પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેના પુનર્વસન દરમિયાન ફરીથી થયેલી ઈજાના કારણે આ સિઝનમાં તેની પરત ફરવાની તમામ શક્યતાઓ પુર્ણ કરી દીધી. IPL દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે તે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે.
29 વર્ષીય ફાસ્ટ બોલર દીપકને પણ ઈજાના કારણે આર્થિક રીતે નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપકને તેની હરાજીની રકમમાંથી એક પણ રૂપિયો નહીં મળે. દીપક ચાહર ચેન્નાઈના બોલિંગ આક્રમણનો મહત્વનો ભાગ હતો, તેને ફ્રેન્ચાઈઝીએ આ વખતની મેગા ઓક્શનમાં 14 કરોડની મોટી રકમ આપીને ખરીદ્યો હતો. આવો જાણીએ IPLમાં ખેલાડીઓના પગાર સાથે જોડાયેલા નિયમો શું કહે છે.
આખી સિઝનના પૂરા પૈસા મળેઃ
હરાજીની રકમ એક વર્ષ માટે છે, એટલે કે જો કોઈ ખેલાડીને 14 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો તેને દર વર્ષે તે રકમ મળશે અને તેને ત્રણ વર્ષ માટે 42 કરોડ રૂપિયા આપવામાં આવશે. જો કોઈ ખેલાડી સમગ્ર સિઝન દરમિયાન ટીમ સાથે રમે છે, તો તેને સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે. તે ખેલાડીએ કેટલી મેચ રમી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઉદાહરણ તરીકે, વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બનેલા ગ્લેન મેક્સવેલને તે સમયે માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી, પરંતુ તેને તેની સંપૂર્ણ રકમ પગાર તરીકે મળી હતી.
સિઝનની શરૂઆત પહેલા ઈજા માટે અલગ નિયમઃ
જો કોઈ ખેલાડી સિઝનની શરૂઆત થયા પહેલાં ઈજાગ્રસ્ત થાય છે, તો ફ્રેન્ચાઈઝી તેને કોઈ રકમ ચૂકવતી નથી. પરંતુ જો કોઈ ખેલાડી સિઝનમાં અમુક કેટલીક મેચો માટે ઉપલબ્ધ હોય, તો સામાન્ય રીતે કુલ રકમના દસ ટકા ખેલાડીને ચૂકવવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, જો કોઈ ખેલાડી ટીમ કેમ્પમાં રિપોર્ટ કરી દે છે અને સિઝનની શરૂઆત પહેલાં ઈજાગ્રસ્ત થઈ જાય છે અને આગળની કોઈપણ મેચમાં ભાગ લેતો નથી, તો તે હરાજીની રકમના 50 ટકાનો હકદાર છે. આ મામલામાં મોહમ્મદ શમી અને ડ્વેન બ્રાવોને ફાયદો થયો છે. જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે, તો ફ્રેન્ચાઈઝી તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે.