નીરજ ચોપરાનો દબદબો યથાવત, મેદાનમાં ઉતર્યા વિના ડાયમંડ લીગ ફાઈનલમાં મારી એન્ટ્રી
બે લેગમાં ભાગ લીધા બાદ નીરજ ચોપરાએ સિલેસિયા ડાયમંડ લીગ 2025માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

નવી દિલ્હી: ભારતના સ્ટાર ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ સિલેસિયામાં યોજાયેલી ડાયમંડ લીગમાં ભાગ લીધો ન હતો. તેમ છતાં તેણે 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ફાઇનલ 27 અને 28 ઓગસ્ટના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાશે. અત્યાર સુધી લીગમાં તેના 15 પોઈન્ટ છે. આખા વર્ષ દરમિયાન વિવિધ ડાયમંડ લીગ ઇવેન્ટ્સ હોય છે. તેમાં પ્રદર્શનના આધારે પોઈન્ટ આપવામાં આવે છે. અંતે ડાયમંડ લીગ ફાઇનલ યોજાય છે અને સૌથી વધુ પોઈન્ટ ધરાવતા 6 એથ્લેટ તેમાં દાવો કરે છે.
નીરજ ત્રીજા સ્થાને છે.
બે લેગમાં ભાગ લીધા બાદ નીરજ ચોપરાએ સિલેસિયા ડાયમંડ લીગ 2025માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 22 ઓગસ્ટના રોજ બ્રસેલ્સ લેગમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી. નીરજ ચોપરા ડાયમંડ લીગ સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને છે. તેની આગળ કેશોર્ન વાલકોટ (17 પોઈન્ટ) અને જૂલિયન વેબર (15 પોઈન્ટ) છે. નીરજ ચોપરા છેલ્લે 5 જૂલાઈના રોજ બેંગલુરુમાં યોજાયેલી પોતાની ઇવેન્ટ નીરજ ચોપરા ક્લાસિકમાં જોવા મળ્યો હતો.
નીરજ 2022 ડાયમંડ લીગનો વિજેતા રહ્યો છે. આ વખતે તેણે અત્યાર સુધી બે લેગમાં ભાગ લીધો છે. મે મહિનામાં દોહામાં તેણે તેની કારકિર્દીમાં પહેલીવાર 90 મીટરનો આંકડો પાર કર્યો હતો. જોકે, 90.23 મીટર ફેંક્યા પછી પણ તેને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. આ પછી નીરજ ચોપરાએ જૂનમાં પેરિસમાં યોજાયેલી ડાયમંડ લીગમાં 88.16 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
સપ્ટેમ્બરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ
નીરજ ચોપરા સપ્ટેમ્બરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પ્રવેશ કરશે. તેનું આયોજન 13 થી 21 સપ્ટેમ્બર દરમિયાન જાપાન ના ટોક્યોમાં થશે. નીરજ ચોપરાએ 2021 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા આ ઇવેન્ટના ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. તેણે હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.





















