Paris Olympics Day 13 Schedule: નીરજ પાસે ગોલ્ડ મેડલની આશા, ભારતીય હૉકી ટીમ પણ બ્રોન્ઝ માટે રમશે
Paris Olympics Day 13 Schedule: પ્રથમ પ્રયાસમાં ફાઇનલમાં પ્રવેશ મેળવનાર નીરજ પોતાનું ટાઇટલ જાળવી રાખવાનો પ્રયાસ કરશે
Paris Olympics Day 13 Schedule: ભારત પેરિસ ઓલિમ્પિકના 13માં દિવસે ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા પાસેથી ઐતિહાસિક પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની આશા રાખશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ પ્રયાસમાં ફાઇનલમાં પ્રવેશ મેળવનાર નીરજ પોતાનું ટાઇટલ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ગોલ્ડની રેસમાંથી બહાર રહેલી ભારતીય પુરૂષ હૉકી ટીમ પણ બ્રોન્ઝ મેડલ સાથે પોતાના અભિયાનનો અંત કરવા માંગશે.
Day 1⃣3⃣ schedule of #ParisOlympics2024 is OUT!
— SAI Media (@Media_SAI) August 7, 2024
Take a look at the entire list of events scheduled for tomorrow & #Cheer4Bharat with us🇮🇳🥳
Let us know which event you are most excited for!! Comment below👇@afiindia @IndianGolfUnion @TheHockeyIndia @WeAreTeamIndia pic.twitter.com/z2LJrrFNCW
લય જાળવી રાખવા માંગશે નીરજ
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ગુરુવારે રાત્રે ઓલિમ્પિકમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીતવા ઉતરશે. નીરજે ક્વોલિફિકેશનમાં સારું પ્રદર્શન કર્યું હતું અને પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરના થ્રો સાથે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. નીરજ ઓલિમ્પિક ઈતિહાસમાં આ ટાઇટલ જાળવી રાખનાર ભાલા ફેંકનો પાંચમો પુરુષ ખેલાડી બનવાના ઈરાદા સાથે ફાઇનલમાં પ્રવેશ કરશે. જો તે આ ટાઇટલ જીતી લેશે તો ઓલિમ્પિક વ્યક્તિગત કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પણ બની જશે. જો નીરજ કોઈ મેડલ જીતે તો પણ તે આઝાદી પછી બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી હશે. આઝાદી પછી માત્ર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (એક સિલ્વર અને એક બ્રોન્ઝ), કુસ્તીબાજ સુશીલ કુમાર (એક સિલ્વર અને એક બ્રોન્ઝ) અને શૂટર મનુ ભાકર (બે બ્રોન્ઝ) એ ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે.
ભારતીય હૉકી ટીમ સેમિફાઇનલની હારમાંથી બહાર આવવાનો કરશે પ્રયાસ
સેમિફાઇનલમાં જર્મનીના હાથે મળેલી હારનું દુ:ખ ભૂલીને ભારતીય હૉકી ટીમ છેલ્લી વખત પેરિસ ઓલિમ્પિકમાં સ્પેન સામે ત્રીજા સ્થાનની પ્લેઓફ મેચમાં ઉતરશે. ત્યારબાદ તેમનો ઉદ્દેશ્ય પીઆર શ્રીજેશ અને દેશ માટે બ્રોન્ઝ મેડલ સાથે વાપસી કરવાનો રહેશે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયનની જેમ રમનારી ભારતીય ટીમનું 44 વર્ષ બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સપનું મંગળવારે એક રોમાંચક મેચમાં જર્મની સામે 2-3થી હાર સાથે ચકનાચૂર થઈ ગયું હતું. હરમનપ્રીત સિંહની ટીમે સ્પેન સામે બ્રોન્ઝ મેડલ પ્લેઓફ રમવાની છે અને પ્રયાસ ટોક્યોમાં જીતેલા બ્રોન્ઝ મેડલને જાળવી રાખવાનો રહેશે.
પેરિસ ઓલિમ્પિકના 13મા દિવસ માટે ભારતનું શિડ્યૂલ નીચે મુજબ છે.
ગોલ્ફ
- મહિલા વ્યક્તિગત રાઉન્ડ-2: અદિતિ અશોક અને દીક્ષા ડાગર (બપોરે 12.30થી)
એથ્લેટિક્સ
- મહિલા 100 મીટર હર્ડલ્સ રિપેચેજ રાઉન્ડ: જ્યોતિ યારાજી (બપોરે 2.05 વાગ્યાથી)
- મેન્સ જેવલિન થ્રો ફાઇનલ: નીરજ ચોપરા (મોડી રાત્રે 11.55 વાગ્યે)
કુસ્તી
- મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા પ્રી-ક્વાર્ટર ફાઇનલ: અમન સહરાવત (બપોરે 2.30 કલાકે)
- મહિલા ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા પ્રી-ક્વાર્ટર ફાઇનલ: અંશુ મલિક (બપોરે 2.30 વાગ્યાથી)
હૉકી
- મેન્સ બ્રોન્ઝ મેડલ મેચ: ભારત વિરુદ્ધ સ્પેન (સાંજે 5.30 વાગ્યાથી)