ટ્રાઈની 116 કરોડ મોબાઈલ ધારકોને વોર્નિંગ: ભૂલથી પણ કરશો નહીં આ કામ, નહીં તો.....
TRAIના નામે ફ્રોડ કોલ અને મેસેજથી સાવધાન: નવી સ્કેમ પદ્ધતિથી લોકોને ભરમાવવાનો ખતરો.

TRAI warning on SIM verification: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ દેશના 116 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સને એક નવા પ્રકારની છેતરપિંડીથી સાવધાન કર્યા છે. ટ્રાઈએ મોબાઈલ યુઝર્સને એસએમએસ દ્વારા તાત્કાલિક ચેતવણી જાહેર કરી છે અને લોકોને આવી શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે.
ટ્રાઈએ પોતાની ચેતવણીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. આ કૌભાંડીઓ લોકોને કોલ, મેસેજ અથવા અન્ય કોઈપણ માધ્યમથી સંપર્ક કરીને પોતાની જાળમાં ફસાવે છે અને તેમને છેતરે છે. ત્યારે, ટ્રાઈએ લોકોને સાયબર ક્રાઈમથી સતર્ક રહેવા અને ફ્રોડથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.
ટેલિકોમ રેગ્યુલેટરે પોતાની ચેતવણીમાં ખાસ કરીને જણાવ્યું છે કે, "ટ્રાઇ ક્યારેય કોઈ પણ વ્યક્તિને મોબાઈલ નંબર વેરિફિકેશન, સબ્સ્ક્રાઇબર્સ વેરિફિકેશન અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ મેસેજ કે કોલ મોકલતું નથી. જો તમને TRAIના નામે આવા કોઈ મેસેજ કે કોલ આવે તો તરત જ સાવધાન થઈ જાવ અને તેને સંભવિત છેતરપિંડી માનો." ટ્રાઈએ લોકોને આવા ફ્રોડ કોલ્સ અને મેસેજથી બચવા અને તેની જાણ કરવા માટે સંચાર સાથી પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.
વર્તમાન સમયમાં ડિજિટલ ધરપકડની ઘટનાઓ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાઈએ આ ચેતવણી જાહેર કરી છે. કૌભાંડીઓ TRAI અથવા અન્ય કોઈ સરકારી એજન્સીના અધિકારી બનીને લોકોને ફોન કરે છે અને ડિજિટલ ધરપકડના નામે છેતરપિંડી કરે છે. ગયા વર્ષે આવા કૌભાંડો દ્વારા લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. સ્કેમર્સ લોકોને કેસમાં ફસાવવાની ધમકી આપીને ડરાવે છે અને પૈસા પડાવે છે.
ટ્રાઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સરકારી એજન્સી યુઝર્સને આવા ફોન કોલ્સ કરતી નથી. જો કોઈ વ્યક્તિને આવા શંકાસ્પદ કોલ્સ આવે તો તેણે તાત્કાલિક તેને અવગણવા જોઈએ અને તે નંબરની જાણ સંચાર સાથી પોર્ટલના ચક્ષુ મોડ્યુલ પર કરવી જોઈએ. યુઝર્સ https://sancharsaathi.gov.in/sfc/ વેબસાઈટ પર જઈને અથવા સંચાર સાથી એપનો ઉપયોગ કરીને આવા ફેક કોલ અને મેસેજની જાણ કરી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા તાજેતરમાં જ એન્ડ્રોઇડ અને iPhone યુઝર્સ માટે સંચાર સાથી એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં યુઝર્સ પોતાના મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરીને કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિની જાણ કરી શકે છે. તમારી ફરિયાદ ટેલિકોમ્યુનિકેશન વિભાગ સુધી પહોંચવાથી કૌભાંડીઓ વિશે માહિતી મળશે અને તેમના નંબરો બ્લોક કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો....
સરકારે મોબાઈલ યુઝર્સને કર્યા ખુશખુશાલ: રિચાર્જ થયા 94% સસ્તા, 1GB ડેટા હવે આટલામાં





















