લો બોલો...! ChatGPT ના સર્જક સેમ ઓલ્ટમેનને જ AI પર વિશ્વાસ નથી! યુઝર્સને આપી આ ગંભીર સલાહ
ઓપનએઆઈના સીઈઓએ કહ્યું, "AI ની એક મર્યાદા છે," વપરાશકર્તાઓને તેના પર આંધળો વિશ્વાસ ન કરવા સૂચન.

Sam Altman ChatGPT warning: ચેટજીપીટી (ChatGPT) એ 2022 માં લોન્ચ થયા બાદથી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે, અને ત્યારબાદ ગૂગલ, મેટા સહિતની અનેક મોટી ટેક કંપનીઓએ પોતાના AI મોડેલ્સ રજૂ કર્યા છે. એક તરફ AI એ વપરાશકર્તાઓના અનેક કાર્યો સરળ બનાવ્યા છે, તો બીજી તરફ તે હજારો નોકરીઓ છીનવી ચૂક્યું છે. રસપ્રદ વાત એ છે કે, આટલી ક્રાંતિ લાવનાર ચેટજીપીટીના સર્જક અને ઓપનએઆઈ (OpenAI) ના સીઈઓ સેમ ઓલ્ટમેન પોતે AI પર સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. તેમણે યુઝર્સને તેના ઉપયોગ અંગે સાવચેત રહેવાની અને AI પર આંધળો વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે.
યુઝર્સને સાવચેતીની સલાહ
સેમ ઓલ્ટમેને ચેટજીપીટીના વપરાશકર્તાઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, AI ની એક મર્યાદા છે અને તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે, ચેટજીપીટી યુઝર્સને આ AI ટૂલમાં સંપૂર્ણ વિશ્વાસ છે, જે ખૂબ જ રસપ્રદ છે, પરંતુ AI લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. આવી સ્થિતિમાં, યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેના પર સંપૂર્ણ ભરોસો ન કરે.
સેમ ઓલ્ટમેનની આ ટિપ્પણી પછી, લાખો યુઝર્સ જેઓ સંશોધન, લેખન અને વાલીપણાની સલાહ જેવી બાબતો માટે ચેટજીપીટી જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરે છે, તેઓ હવે તેનો ઉપયોગ કરતા પહેલા બે વાર વિચારશે. AI દ્વારા આપવામાં આવેલી ખોટી સલાહ યુઝર્સ માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. ઓલ્ટમેને સમજાવ્યું કે AI પાસે માણસો જેટલી સમજ નથી, જેના કારણે તે ક્યારેક ખોટી માહિતી આપી શકે છે, જેને AI ની દુનિયામાં 'ભ્રમણા' (hallucination) કહેવામાં આવે છે.
AI થી ઊંચી અપેક્ષાઓ ન રાખવા અપીલ
સેમ ઓલ્ટમેને યુઝર્સને AI પાસેથી ઊંચી અપેક્ષાઓ ન રાખવા પણ કહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તે સંપૂર્ણપણે વિશ્વસનીય નથી અને આપણે તેના વિશે પ્રમાણિક રહેવું જોઈએ. આ બધી સમસ્યાઓ હોવા છતાં, લાખો લોકો દરરોજ ચેટજીપીટી AI નો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.
ઉપરાંત, ઓલ્ટમેને ચેટજીપીટીની ઘણી નવી સુવિધાઓ વિશે પણ માહિતી આપી છે, જેમાં પર્સનલાઇઝેશન અને મુદ્રીકરણમાં સુધારા કરવામાં આવશે, જે ભવિષ્યમાં AI ના ઉપયોગને વધુ સુલભ બનાવશે. જોકે, તેમની ચેતવણી એ દર્શાવે છે કે ટેકનોલોજીના વિકાસ સાથે તેની મર્યાદાઓ અને સંભવિત જોખમો વિશે જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે.





















