AI : AIને લઈ નિષ્ણાંતોમાં કેમ ફફડાટ? કેમ પરમાણું બોમ્બ સાથે કરી સરખામણી?
દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. ચેટજીપીટી અને દિગ્ગજ સર્ચ એન્જીન ગૂગલ વચ્ચે તો રીતસરની હરીફાઈ જામી છે.
દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. ચેટજીપીટી અને દિગ્ગજ સર્ચ એન્જીન ગૂગલ વચ્ચે તો રીતસરની હરીફાઈ જામી છે. ભવિષ્યમાં અનેક દિગ્ગજ કંપનીઓ આ ક્ષેત્રે ઝંપલાવશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે. હવે સવાલ ઉભા થઈ રહ્યાં છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાત માટે કેટલુ લાયદાયક કે નુકશાનકારક? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ખરેખર કરોડો લોકોની નોકરીઓ છીનવાશે કે વધશે રોજગારી? આ સવાલોનો હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી પરંતુ એક અબજોપતિ અને નિષ્ણાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચેતવણી આપી છે.
તેમણે કહ્યું છે કે, કૃત્રિમ બુદ્ધિમત્તાના ગેરફાયદાને ધ્યાનમાં લીધા વિના જો આપણે આગળ વધતા રહીશું તો તે પરમાણુ હથિયારો કરતાં વધુ ખતરનાક બની શકે છે. ધ ફ્યુચર ઑફ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ પર એક નિવેદન જારી કરી વિશ્વના એક હજારથી વધુ ટેકનીકી નિષ્ણાતોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હરિફાઈને રોકવા માટે વિનંતી કરી છે. તેમાંથી એક છે કેવિન બેરાગોના.
કેવિનનું કહેવું છે કે, આ ચેટબોટ્સ યોગ્ય કાળજી સાથે બાંધવા જોઈએ. આનાથી ઉદ્ભવતા જોખમનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, AI બનાવવું એ સોફ્ટવેરની દુનિયામાં પરમાણુ હથિયાર બનાવવા જેવું છે. ઘણા નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે કે, આપણે તે બનાવવું જોઈએ કે નહીં? આ પ્રકારની ચિંતા પરમાણુ હથિયારોના નિર્માણ દરમિયાન પણ કરવામાં આવી રહી હતી.
નિષ્ણાતો શા માટે ચિંતિત?
તેમણે વધુમાં કહ્યું હતું કે, તે ચિમ્પાન્ઝી અને માણસો વચ્ચેના યુદ્ધ જેવું હશે. તે સ્વાભાવિક છે કે, માણસો પાસે ખાસ શસ્ત્રો છે, જેના દ્વારા આપણે ચિમ્પાન્ઝી પર જીત મેળવીશું. હવે ચિમ્પાન્ઝીની જગ્યાએ માણસોને મૂકવાનો પ્રયાસ કરો. AI કાં તો આપણને મારી નાખશે અથવા આપણને વશ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની આ ચિંતા ચેટ GPTને કારણે જોવા મળી છે, જેમાં થોડા દિવસોમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે. ચેટબોટ ઘણી કાનૂની અને તબીબી પરીક્ષાઓ પાસ કરી રહ્યું છે, જેને સ્પષ્ટ કરવા માટે વ્યક્તિએ 3 મહિના સુધી અભ્યાસ કરવો પડશે.
AI સંબંધિત સંશોધન બંધ કરવાની માંગ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે સિલિકોન વેલીમાં યુદ્ધ જોવા મળી રહ્યું છે. કેટલાક AI સંશોધકો અને એલોન મસ્કએ AI લેબ્સને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે AI સાથે જોડાયેલા વિકાસને આખી દુનિયામાં રોકવા કહ્યું છે. તેમના પત્રમાં તેમણે ભય વ્યક્ત કર્યો છે કે, તેઓ માનવતા અને સમાજ માટે ખતરો બની શકે છે.