Google એ ભારતમાં ખાસ સર્વિસ શરૂ કરી, લાખો Android યુઝર્સને હવે મુસીબતમાં મળશે તાત્કાલિક મદદ
Google emergency location service: ઉત્તર પ્રદેશથી સેવાનો પ્રારંભ, 112 ડાયલ કરતા જ લોકેશન થશે શેર. GPS અને Wi-Fi ની મદદથી મળશે 50 મીટર સુધીની સચોટ માહિતી.

Google emergency location service: ગૂગલે ભારતીય સ્માર્ટફોન યુઝર્સની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ ભારતમાં 'ઇમરજન્સી લોકેશન સર્વિસ' (ELS) લોન્ચ કરી છે. આ સુવિધા લાખો એન્ડ્રોઇડ યુઝર્સ માટે કટોકટીના સમયે સંજીવની સમાન સાબિત થશે. હવે Android 6 કે તેથી વધુ અપડેટેડ વર્ઝન ધરાવતા ફોનમાંથી ઇમરજન્સી કોલ કરતી વખતે તમારું સચોટ લોકેશન પોલીસ કે એમ્બ્યુલન્સ સુધી આપમેળે પહોંચી જશે.
ટેકનોલોજી જાયન્ટ ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સની સુરક્ષા વધારવા માટે 'ઇમરજન્સી લોકેશન સર્વિસ' (ELS) સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. કટોકટીના સમયે ઘણીવાર પીડિત વ્યક્તિ ગભરાટમાં પોતાનું લોકેશન સરખી રીતે સમજાવી શકતી નથી, જેના કારણે મદદ પહોંચવામાં મોડું થાય છે. ગૂગલની આ નવી પહેલ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. આ સેવા એવા તમામ સ્માર્ટફોનમાં કામ કરશે જે Android 6 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
ઉત્તર પ્રદેશમાં સેવાનો શુભારંભ
ગૂગલે આ અત્યાધુનિક સેવાની શરૂઆત હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યથી કરી છે. હવે ત્યાંના નાગરિકો જ્યારે મુસીબતના સમયે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરશે, ત્યારે ફોનની બિલ્ટ-ઇન ઇમરજન્સી સર્વિસ સક્રિય થઈ જશે. આ ફીચર યુઝરને કંઈ પણ કર્યા વગર આપમેળે તેમનું લોકેશન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (જેમ કે પોલીસ કંટ્રોલ રૂમ, ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ સર્વિસ) ને મોકલી આપશે. નેટવર્ક કનેક્ટિવિટી નબળી હોય તો પણ આ સિસ્ટમ ટેક્સ્ટ મેસેજ અથવા ડેટા દ્વારા લોકેશન શેર કરવાનો પ્રયાસ કરશે.
ELS ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
આ ફીચરની કાર્યપદ્ધતિ ખૂબ જ આધુનિક છે. ગૂગલની આ સેવા યુઝરના ડિવાઇસના GPS, Wi-Fi અને સેલ્યુલર નેટવર્ક (મોબાઇલ ટાવર) ના ડેટાનું સંયોજન કરીને સચોટ લોકેશન નક્કી કરે છે. ગૂગલના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજી 50 મીટર સુધીની ચોકસાઈ (Accuracy) સાથે લોકેશન શેર કરવાની ક્ષમતા ધરાવે છે. આ માટે એન્ડ્રોઇડના 'ફ્યુઝ્ડ લોકેશન પ્રોવાઇડર' નો ઉપયોગ કરવામાં આવે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે પોલીસ કે મેડિકલ ટીમને પીડિત સુધી પહોંચવા માટે સરનામું શોધવામાં સમય બગાડવો પડતો નથી.
મશીન લર્નિંગ અને સફળ પરીક્ષણ
ગૂગલે આ સેવાને સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બનાવવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કર્યો છે. કંપનીના દાવા મુજબ, આ ફીચરને લોન્ચ કરતા પહેલા 20 મિલિયન (2 કરોડ) ઇમરજન્સી કોલ્સ અને મેસેજીસ પર તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સેવા સીધી 112 હેલ્પલાઇન સાથે સંકલિત કરવામાં આવી છે. આ ઉપરાંત, ગૂગલે તાજેતરમાં ઇમરજન્સી લાઈવ વીડિયો ફીચર પણ રજૂ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ કટોકટીના સમયે પરિસ્થિતિનો લાઈવ વીડિયો પણ શેર કરી શકે છે.





















