Google Alert: ગૂગલનો મોટો નિર્ણય! ફેબ્રુઆરીથી બંધ થશે આ મહત્વની સુરક્ષા સેવા, કરોડો યુઝર્સ અટવાશે
Google dark web report discontinued: માત્ર 3 વર્ષમાં પેકઅપ, 15 જાન્યુઆરીથી ડેટા સ્કેનિંગ બંધ થશે, ડેટા લીક જાણવો મુશ્કેલ બનશે, તાત્કાલિક પ્રોફાઈલ ડિલીટ કરો.

Google dark web report discontinued: ગૂગલ હંમેશા નવી ટેકનોલોજી અને ફીચર્સ લાવવા માટે જાણીતું છે, પરંતુ સાથે સાથે તે ઓછો વપરાશ ધરાવતી અથવા જૂની સેવાઓને બંધ પણ કરતું રહે છે. તાજેતરમાં વોઈસ આસિસ્ટન્ટ ટૂલને અલવિદા કહ્યા બાદ, હવે કંપનીએ વધુ એક મોટા ફેરફારની જાહેરાત કરી છે. ગૂગલે વપરાશકર્તાઓના એકાઉન્ટ્સની સુરક્ષા માટે શરૂ કરેલી 'ડાર્ક વેબ રિપોર્ટ' સર્વિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સેવા ખાસ કરીને સાયબર ફ્રોડ અને ડેટા બ્રીચના જમાનામાં યુઝર્સ માટે સુરક્ષા કવચ સમાન હતી.
આ સેવાનો કાર્યકાળ ખૂબ ટૂંકો રહ્યો છે. ગૂગલે માત્ર ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2023 માં જ આ સુવિધા લોન્ચ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને એ જણાવવાનો હતો કે તેમનું ઈમેલ આઈડી, પાસવર્ડ કે અન્ય અંગત માહિતી હેકર્સના અડ્ડા ગણાતા 'ડાર્ક વેબ' પર લીક થઈ છે કે નહીં. જોકે, કંપનીએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે ફેબ્રુઆરી 2026 થી આ સુવિધા બંધ થઈ જશે. આ નિર્ણયથી એવા લાખો યુઝર્સ પ્રભાવિત થશે જેઓ પોતાની ડિજિટલ સેફ્ટી માટે આ ટૂલ પર નિર્ભર હતા.
ગૂગલના સત્તાવાર બ્લોગ પોસ્ટ અને ટાઈમલાઈન મુજબ, આગામી 15 જાન્યુઆરી, 2026 ના રોજ ડાર્ક વેબ પર ડેટા સ્કેનિંગની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે. ત્યારબાદ બરાબર એક મહિના પછી, એટલે કે 16 ફેબ્રુઆરી, 2026 થી યુઝર્સને કોઈપણ પ્રકારના ડાર્ક વેબ રિપોર્ટ્સ મળવાનું સદંતર બંધ થઈ જશે. આ સમયગાળા દરમિયાન ગૂગલે તમામ યુઝર્સને તેમની ડાર્ક વેબ પ્રોફાઈલ ડિલીટ કરવાની સૂચના આપી છે.
જો તમે આ સેવાનો ઉપયોગ કરતા હોવ, તો તમારે જાતે જ તમારી પ્રોફાઈલ ડિલીટ કરવી પડશે. આ પ્રક્રિયા પીસી, એન્ડ્રોઈડ ફોન અથવા આઈફોન પરથી સરળતાથી કરી શકાય છે. સૌથી પહેલા તમારે તમારી ગૂગલ પ્રોફાઈલમાં લોગ-ઈન કરીને 'ડાર્ક વેબ રિપોર્ટ' સેક્શનમાં જવું પડશે. ત્યાં 'એડિટ મોનિટરિંગ પ્રોફાઈલ' (Edit Monitoring Profile) વિકલ્પ પસંદ કરીને તમે 'ડિલીટ' બટન પર ક્લિક કરી તમારી પ્રોફાઈલ કાયમી ધોરણે દૂર કરી શકો છો.
આ સેવા બંધ થવા છતાં ગૂગલે સુરક્ષા માટે યુઝર્સને નિરાશ કર્યા નથી. કંપનીએ સલાહ આપી છે કે હવેથી યુઝર્સ 'ગૂગલ પાસવર્ડ મેનેજર' અને 'સિક્યોરિટી ચેકઅપ' જેવા અન્ય ટુલ્સનો મહત્તમ ઉપયોગ કરે. આ ટૂલ્સ પણ તમારા પાસવર્ડની મજબૂતી ચકાસવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી તમારો ફોન નંબર, સરનામું કે ઈમેલ જેવી અંગત માહિતી હટાવવા માટેની વિનંતી કરવાની સુવિધા તો ચાલુ જ રહેશે.
સાયબર સુરક્ષાના નિષ્ણાતોના મતે, ગૂગલનો આ નિર્ણય સામાન્ય યુઝર્સ માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે. અત્યાર સુધી જે એલર્ટ સિસ્ટમ ઓટોમેટિક અને મફતમાં મળતી હતી, તેના માટે હવે લોકોએ સતર્ક રહેવું પડશે અથવા તો કોઈ થર્ડ પાર્ટી એપનો સહારો લેવો પડશે. તેથી, ફેબ્રુઆરી પહેલા તમારા એકાઉન્ટના સેટિંગ્સ અપડેટ કરી લેવા અને ટુ-સ્ટેપ વેરિફિકેશન (2SV) ચાલુ રાખવું અત્યંત હિતાવહ છે.





















