શું 5G માણસો માટે ખતરનાક છે? વૈજ્ઞાનિકોના અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
જર્મનીની કન્સ્ટ્રક્ટર યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોએ આ વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.

5G ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો ત્યારથી તેની અસર અંગે ઘણી બાબતો સામે આવી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર વારંવાર એવો દાવો કરવામાં આવ્યો હતો કે 5G ટાવરમાંથી નીકળતા તરંગો પક્ષીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક લોકોએ તેને માનવો માટે ખતરો પણ ગણાવ્યો હતો. પરંતુ હવે આ સંદર્ભમાં વૈજ્ઞાનિકોનું એક નવું સંશોધન બહાર આવ્યું છે જેણે આ ડરને દૂર કરી દીધો છે.
નવા સંશોધનમાં શું કહેવામાં આવ્યું છે?
જર્મનીની કન્સ્ટ્રક્ટર યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોએ આ વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેઓએ માનવ ત્વચાના કોષોને 5G રેડિયેશનના સંપર્કમાં લાવ્યા જેથી તે જોઈ શકાય કે તેની શું અસર થાય છે. સંશોધનમાં તેઓએ બે પ્રકારના કોષો કેરાટિનોસાઇટ્સ અને ફાઇબ્રોબ્લાસ્ટ્સ પસંદ કર્યા અને તેમને 27GHz અને 40.5GHz ફીક્વન્સીના તરંગોના સંપર્કમાં લાવવામાં આવ્યા હતા.
ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની અસરો શું થઈ શકે છે તે નક્કી કરવા માટે એક્સપોઝરનો સમય 2 કલાકથી 48 કલાક સુધીનો હતો. પરંતુ પરિણામો આશ્ચર્યજનક હતા. ડીએનએમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. તે સિવાય જીનની અભિવ્યક્તિમાં પણ કોઇ ફેરફાર થયો નહોતો.
તાપમાન વાસ્તવિક મુદ્દો છે, તરંગો નહીં
વૈજ્ઞાનિકો પહેલાથી જ કહી ચૂક્યા છે કે જો રેડિયો તરંગો ખૂબ શક્તિશાળી હોય તો તે પેશીઓને ગરમ કરી શકે છે. પરંતુ આ સંશોધનમાં તાપમાનને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવામાં આવ્યું હતું, જેણે સાબિત કર્યું કે જ્યાં સુધી શરીરનું તાપમાન સામાન્ય રહે છે ત્યાં સુધી 5G તરંગોથી કોઈ નુકસાન થતું નથી.
ડરવાની જરૂર નથી
આ નવા અભ્યાસથી સ્પષ્ટ થયું છે કે 5G માંથી નીકળતી હાઇ ફિક્વન્સી તરંગોની માનવ શરીર પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. ડીએનએને પણ નુકસાન થતું નથી. જીનમાં કોઇ સમસ્યા જોવા મળી નહોતી. એટલે કે, 5G નો ઉપયોગ મનુષ્યો માટે સલામત છે.
તો હવે શું કરવું જોઈએ?
જો તમને હજુ પણ 5G ના નામથી ડર લાગે છે તો આ સંશોધન તમારા ડરનો અંત લાવી શકે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા આ સાબિત કર્યું છે અને તે પણ કઠોર પરીક્ષણો પછી. તેથી આગામી સમયમાં જ્યારે કોઈ 5G વિશે અફવાઓ ફેલાવે ત્યારે તમે તથ્યો સાથે જવાબ આપી શકો છો.





















