Ahmedabad Rath Yatra: રથયાત્રામાં ડીજેના અવાજથી ભડક્યા ગજરાજ, 3 લોકો ઘાયલ
Ahmedabad Rath Yatra: રથયાત્રામાં ડીજેના અવાજથી ભડક્યા ગજરાજ, 3 લોકો ઘાયલ
Ahmedabad Rath Yatra 2025: ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ગજરાજ ભડક્યા હતા. ખાડિયા પાસે ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. DJના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા. ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા હતા.
ગજરાજ ભડકતા 10 મીનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી. બેથી ત્રણ લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ભડકેલા ગજરાને અન્ય રસ્તે લઈ જવાયા હતા. ગજરાજને મહાવતે કાબૂમાં લીધા હતા. રથયાત્રાના રૂટ પર સલામતીના ભાગરૂપે ડીજે બંધ કરાવાયા હતા. કાંકરિયા ઝૂના એડવાઈઝર ડોક્ટર આર.કે. શાહુએ કહ્યું હતું કે ભડકેલા ગજરાજે કોઈને ઈજા પહોંચાડી નથી. ત્રણેય ગજરાજને રથયાત્રામાંથી બહાર કરવામાં આવ્યા હતા. બેકાબૂ ગજરાજ CCTVમાં કેદ થયા હતા. ગજરાજ ભડકતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
રથયાત્રાના રૂટ પર AIની મદદથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધારે ટ્રક જોવા મળી રહી છે. રથયાત્રામાં અંગદાન મહાદાનનો મેસેજ આપતો ટ્રક જોડાયો હતો. AMCનો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જાગૃતિ આપવામાં આવી હતી. AMCના ટ્રકની ઝાંખીમાં 40 લાખ વૃક્ષ વાવવાનો સંદેશ અપાયો હતો.
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની પૂજા કરી ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે.




















