Navratri 2025: ખેલૈયાઓ માટે મોટા સમાચાર, અમદાવાદમાં આટલા વાગ્યા સુધી જ ગરબા માટે મંજૂરી
અમદાવાદમાં ગરબા માટે 12 વાગ્યા સુધીની જ મંજૂરી આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન રાતભર પોલીસ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા પર અમદાવાદ પોલીસ વધુ ધ્યાન આપશે. નવરાત્રીમાં બંદોબસ્તને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન બનાવ્યો હતો. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ગરબા દાંડિયાને લઈ અનેક મોટા આયોજનો થઈ રહ્યા છે. કેટલાક આયોજકો સૂર્યાસ્તથી લઈ સૂર્યોદય સુધી ગરબાના આયોજન કર્યાનો પ્રચાર- પ્રસાર પણ શરૂ કરી દીધો છે. આ તમામની વચ્ચે રાજ્યના સૌથી મોટા એવા આ શહેરમાં ગરબા ઉત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે. નવરાત્રીની રાત્રીઓમાં મોડી સાંજ સુધી ઠેર- ઠેર બંદોબસ્ત ગોઠવવાની સાથેસાથે મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર આપવાની પોલીસની રણનીતિ છે.





















