Gujarat Weather Update: રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 14 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રવિવારે 14 ડિગ્રી સાથે વડોદરા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ગઈકાલે રાત્રે જ્યાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં નલિયા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ ને ડીસાનો સમાવેશ થાય છે.અમદાવાદમાં સળંગ બીજા દિવસે પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગઈકાલ રાત્રે અમદાવાદમાં 15.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તો ગાંધીનગરમાં 14.5, રાજકોટ, ડીસામાં 15.5, પોરબંદરમાં 16.7, સુરત, અમરેલીમાં 17-17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ પણ અમદાવાદમાં 16 ડિગ્રીની આસપાસ જ ઠંડીનો પારો રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે.
નવેમ્બર મહિનાથી દેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનો માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ગઈકાલે શીતલહેર જોવા મળી હતી. હવામાન વિભાગે હવે ત્રણ રાજ્યો માટે ઠંડીની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં 9-11 નવેમ્બર દરમિયાન ઠંડીનું મોજું ફરી શકે છે. વધતી ઠંડીને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે. આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે, ખાસ કરીને દક્ષિણ હરિયાણા, ઉત્તરપશ્ચિમ ભારત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના મેદાનોમાં ઠંડી પડી શકે છે.




















