Faridabad Terrorist: ગુજરાત ATS બાદ જમ્મૂ કશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, ડૉક્ટરના ઘરેથી 350 કિલો RDX, AK-47 મળી
હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક મેડિકલ કોલેજમાંથી બે AK-47 રાઈફલ અને અંદાજે 350 કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મેડિકલ કોલેજ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય એક ડોક્ટર દ્ધારા આપવામાં આવેલી માહિતીના આધારે જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં કાર્યવાહી કરી હતી. અગાઉ, અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજમાં ડૉ. આદિલના લોકરમાંથી એક AK-47 રાઈફલ મળી આવી હતી. આદિલની ધરપકડ બાદ બીજા એક ડોક્ટરની પણ અટકાયત કરવામાં આવી હતી.
તપાસ ડૉ. આદિલથી શરૂ થઈ હતી.
પોલીસ તપાસ ડૉ. આદિલથી શરૂ થઈ હતી, જે થોડા દિવસો પહેલા શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર લગાવવાના આરોપમાં સહારનપુર (ઉત્તર પ્રદેશ) માં ધરપકડ કરાયેલા ડૉક્ટર હતા. ડૉ. આદિલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામ કરતા હતા. તેમની ધરપકડ બાદ પોલીસે તેમના જૂના લોકરની તપાસ કરી અને એક AK-47 રાઈફલ મળી આવી.
ડો. આદિલની ધરપકડ બાદ પોલીસે અનંતનાગથી બીજા ડોક્ટરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આ ડોક્ટરે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી, જેના કારણે પોલીસ ટીમ હરિયાણાના ફરીદાબાદ ગઈ હતી. ત્યાં બીજા ડોક્ટરના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા બાદ બે AK-47 રાઈફલ અને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણ ડોક્ટર સતત સંપર્કમાં હતા અને તેમના તાર દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારોથી હરિયાણા સુધી ફેલાયેલા હતા.
















