Anirudhsinh Jadeja News: ગોંડલના પૂર્વ ધારાસભ્ય હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને ન મળી રાહત | abp Asmita
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને રાહત નથી આપી. હાઈકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવું પડશે. તત્કાલીન ધારાસભ્યની હત્યા કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી.
સરકારે સજા માફ કર્યા બાદ સરકારના નિર્ણયને પોપટભાઇના પૌત્રએ હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટ દ્વારા એક મહિનામાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો.
શું બની હતી સમગ્ર ઘટના
આ કેસની વિગત મુજબ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરૂદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં તા.10-7-1997ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી.




















