Rajkot Unseasonal Rains: રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, વાહન ચાલકો પરેશાન
રાજકોટ જિલ્લાના વાતાવરણમાં ગુરુવારે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. સવારથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું.
ગોંડલના રીબડા, વાડધરી સહિતના ગામડાઓમાં વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા; ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ; રાજકોટ શહેરના મવડી, ગંજીવાડા, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, બાળકોથી મોટા સૌ કોઈ વરસાદમાં ભીંજાયા. આ અણધાર્યા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરમાં કેટલાક લોકોએ વરસાદનો આનંદ પણ માણ્યો હતો.
રાજકોટ શહેરમાં પણ ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. શહેરના મવડી અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત, ન્યુ સાગર સોસાયટી સહિતના વિસ્તારોમાં શેરીઓમાં પાણી ભરાયા હતા.





















