Rajkot Fire Tragedy: અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આપ્યા આ આદેશ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે કે જેની પાસે નથી ફાયર NOC તેની સામે નોંધવામાં આવે ફરિયાદ. રાજ્ય સરકારના આદેશના પગલે જે-તે જિલ્લા કલેકટરોએ જિલ્લા પોલીસવડાઓને સૂચના આપી દીધી છે. જેમાં ગુનો નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી કડક પગલા ભરવા નિર્દેશ કર્યો છે. રાજ્ય સરકારે કલેકટરોને આપેલી સૂચનામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે અગ્નિકાંડ જેવી દુર્ઘટનાનું ફરી ન થાય પુનરાવર્તન તે માટે રાજ્યના તમામ શહેરમાં મંદિર, મસ્જિદ, ધાર્મિક સ્થળો, સ્કૂલ- કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ અને વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ તેમજ ગેમઝોન સહિતના તમામ સ્થળોની કરાઈ ચકાસણી. એટલે કે સ્થાનિક મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ટીમ બનાવી શહેરના અલગ- અલગ સ્થળોની મુલાકાત કરી ફાયર NOCની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર NOC નહીં હોય તેની સામે તત્કાળ અસરથી નોંધાશે ફરિયાદ. નોંધનીય છે કે તક્ષશિલા અગ્નિકાંડના પાંચ વર્ષ બાદ હવે રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનાનું પુનરાવર્તન થતા હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારબાદ હવે સરકાર સક્રિય બની છે.