Ganesh Chaturthi 2025: વડોદરામાં રાજમહેલમાં શ્રીજીની સ્થાપના, 90 કિલો ગ્રે માટીમાંથી તૈયાર કરાઈ મૂર્તિ
ગણેશ ચતુર્થી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા રાજવી પરિવાર તરફથી રાજમહેલમાં ગણપતિનું સ્થાપન કરાશે. રાજવી પરિવાર તરફથી શ્રીજીની આગમન યાત્રા યોજાઈ. દાંડિયાબજારથી શરણાઈના સૂર સાથે બાપ્પાની યાત્રાનો પ્રારંભ થયો. બાપ્પાનું લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સ્થાપન કરાશે. જ્યાં વિઘ્નહર્તાને હીરા, ઝવેરાત સહિતના આભૂષણોનો શણગાર કરાશે. જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પરિવાર શ્રીજીની આરતી કરશે. વર્ષ 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી મૂર્તિ બનાવડાવી હતી. ત્યારથી લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન થનારા દૂંદાળાદેવની મૂર્તિ કાશીના પંડિતોના વંશજો જ તૈયાર કરી રહ્યા છે. દસ દિવસ સુધી આસ્થા અને ભક્તિ સાથે દૂંદાળાદેવની આરાધના કરાશે. લક્ષ્મી વિલાસ પેલેસના વિઘ્નહર્તાની પ્રતિમા 90 કિલો ગ્રે માટીમાંથી તૈયાર કરાઈ છે. મૂર્તિની ઊંચાઈ 36 ઈંચની છે. આ માટી ખાસ ભાવનગરથી મંગાવાઈ છે અને વર્ષોથી ચૌહાણ પરિવાર શ્રીજીની મૂર્તિ બનાવે છે...





















