Nepal Gen Z Protest: નેપાળમાં ઓલી સરકારના ભ્રષ્ટાચાર સામે યુવાનોનો સતત બીજા દિવસે આક્રોશ, અનેક મંત્રીઓના ઘરે પથ્થરમારો અને આગચંપી
નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) કેપી ઓલી સરકારના 9 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મંત્રીઓએ સોમવારે સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક Gen-Z પ્રદર્શન દરમિયાન સરકારી નીતિઓ અને સરકારી કાર્યવાહીને પોતાના રાજીનામાનું કારણ ગણાવ્યું છે. બીજી તરફ, નેપાળના બિરગંજમાં નેપાળ સરકારના કાયદા મંત્રી અજય કુમાર ચૌરસિયાનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું છે.
રાજીનામું આપનારા મંત્રીઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલય સાથે સંકળાયેલા નામોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે, સરકારે નાગરિકોના અવાજને દબાવવા અને લોકશાહી અધિકારોનું સન્માન ન કરવા માટે આ પગલું ભર્યું છે. ઉપરાંત, નાયબ વડા પ્રધાને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું એ વાતનો સંકેત છે કે રાજકીય અસંતોષ માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ સરકારના ઉચ્ચ સ્તર સુધી પણ ફેલાઈ ગયો છે.





















