Firing in US school: અમેરિકામાં એક કેથોલિક સ્કૂલમાં પ્રાર્થના કરતા બાળકો પર અંધાધૂંધ ગોળીબાર
અમેરિકાનું મિનેસોટા રાજ્ય આડેધડ ફાયરિંગથી ધણધણી ઉઠ્યું. મિનિયાપોલિસ શહેરમાં સ્કૂલમાં ફાયરિંગ થતા 2 બાળકોના મોત થયા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. જેમાં કેટલાક બાળકોની હાલત વધુ ગંભીર છે. સ્કૂલમાં બાળકો પ્રાર્થના કરી રહ્યા હતા. તે દરમિયાન હુમલાખોર અંદર ધસી આવ્યો અને અંધાધુન ફાયરિંગ શરૂ કર્યું. આ સ્કૂલમાં 395 બાળકો અભ્યાસ કરે છે. પોલીસે જવાબી કાર્યવાહી કરી હુમલાખોરને ઠાર માર્યો. ફાયરિંગ કરનારની ઉંમર 20 વર્ષ છે. જેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. ઘટના બાદ મિનિયાપોલિસમાં સ્થાનિક પોલીસની સાથે FBI અને રાજ્ય સુરક્ષાકર્મીએ નાકાબંધી કરી નાખી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પણ આ ઘટના અંગે માહિતી અપાઈ.
મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝે કહ્યું હતું કે આ અમારા બાળકો અને શિક્ષકો માટે ખૂબ જ દર્દનાક છે, જેમની શાળાનું પહેલું અઠવાડિયું આ હિંસાથી ખરાબ થઈ ગયું છે. તેમણે બાળકો અને શિક્ષકો માટે પ્રાર્થના કરી હતી. ઘટના પછી પોલીસ, એફબીઆઈ, ફેડરલ એજન્ટો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શાળા સાથે સંકળાયેલા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, બાળકોને શાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.



















