Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
ગળેફાંસો આપી હત્યાનો ખુલાસો, યુવતી સાથે એક યુવક પણ હોટલમાં આવ્યો હતો, પોલીસ તપાસ ચાલુ.

Ahmedabad Crime: અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક યુવતીની હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા છે, જે જમવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નસરીન બાનુ બપોરે 12.25 વાગ્યે એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી અને તેમણે રૂમ નંબર 108 બુક કરાવ્યો હતો. થોડા સમય બાદ યુવકે હોટલ સ્ટાફને કહ્યું કે તે જમવાનું લેવા બહાર જઈ રહ્યો છે. જો કે, કલાકો સુધી તે યુવક પરત ન ફરતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. સાંજના સમયે સ્ટાફે રૂમની તપાસ કરતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને અંદર બેડ નીચે નસરીન બાનુનો મૃતદેહ પડેલો હતો.
હોટલ સ્ટાફે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું જણાયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આસપાસના વિસ્તારોમાં યુવકની શોધખોળ શરૂ કરી છે.
મૃતક નસરીન બાનુ મૂળ ઉત્તર પ્રદેશના સંત કબીર નગરના રહેવાસી હતા અને હાલમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં મદની નગરમાં રહેતા હતા. તેઓ એરપોર્ટ પર શું કામ કરતા હતા તે અંગે પોલીસ માહિતી મેળવી રહી છે. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે, જેમાં નસરીન બાનુ તે યુવક સાથે હોટલમાં પ્રવેશ કરતી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પોલીસ હવે આ યુવકની ઓળખ મેળવવા અને તેની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. હોટલ સ્ટાફ અને આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ટૂંક સમયમાં આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળ થશે તેવી આશા વ્યક્ત કરી રહી છે. હાલમાં ઘટના સ્થળ પર પોલીસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
