Hyundai Cars Export: ભારતમાં સૌથી વધુ નિકાસ થતી SUV બની Creta, વિદેશી વેચાણમાં 26.17% વધારો
Hyundai Cars Export Increased: હ્યુન્ડાઈ ક્રેટા કારને લઈ લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે અને એક્સપોર્ટ પણ વધી રહ્યું છે.
Hyuandai Export Increased: વાહન ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ગયા વર્ષે એટલે કે 2021માં ભારતમાંથી તેની SUV કાર ક્રેટાના કુલ 32,799 યુનિટની નિકાસ કરી હતી. કંપનીએ જણાવ્યું કે ગયા વર્ષ દરમિયાન વિદેશી બજારમાં ક્રેટાના વેચાણમાં વાર્ષિક ધોરણે 26.17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં કંપનીએ 25,995 યુનિટની નિકાસ કરી હતી. કંપનીએ આ સમયગાળા દરમિયાન SUVના કુલ 42,238 યુનિટની નિકાસ કરી હતી.
શું કહ્યું કંપનીએ
હ્યુન્ડાઈએ જણાવ્યું હતું કે Creta એ ભારતમાંથી સૌથી વધુ નિકાસ કરવામાં આવતી SUV છે. જે કંપનીને વિદેશી બજારોમાં પણ સૌથી વધુ પસંદગીની SUV બ્રાન્ડ બનાવે છે. ક્રેટા સિવાય વાહન ઉત્પાદકે ગયા વર્ષે તેની SUV કાર વેન્યુના 7,698 એકમો અને અલ્કાઝરના 1,741 એકમોની નિકાસ કરી હતી.
સેમિકન્ડકટર્સની અછત વચ્ચે પણ શાનદાર દેખાવ
હ્યુન્ડાઇએ વર્ષ 2021 દરમિયાન 1,30,380 એકમોની નિકાસ કરી હતી. સેમિકન્ડક્ટર્સની અછત અને રોગચાળાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ છતાં કંપનીની નિકાસ વર્ષ 2020ની સરખામણીમાં 31.8 ટકા વધી છે. કંપની હાલમાં આફ્રિકા, પશ્ચિમ એશિયા, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયા પેસિફિકના લગભગ 85 દેશોમાં તેના વાહનોની નિકાસ કરે છે.
Creta નો વેઇટિંગ પીરિયડ છે લાંબો
દક્ષિણ કોરિયન કંપની Hyundaiની Creta બજારમાં સૌથી વધુ વેચાતી SUV કાર છે. આ કારના એન્ટ્રી લેવલ ઈ-ટ્રીમ માટે નવ મહિનાથી વધુ રાહ જોવી પડી શકે છે. આ સિવાય જો જોવામાં આવે તો કિયા સોનેટ અને સેલ્ટોસનો વેઇટિંગ પીરિયડ SUV કારમાં વધુ છે. વેરિઅન્ટના આધારે આ છ મહિના સુધીનો હોઈ શકે છે.