Hathras Case: હાથરસ ગેંગરેપ કેસમાં એસસી-એસટી કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, એક દોષિત જાહેર
પીડિતાએ સારવાર દરમિયાન પોતાના નિવેદનમાં ચાર યુવકો સંદીપ, રામુ, લવકુશ અને રવિ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો
ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં SC-ST કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ચારમાંથી ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે એક આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બર, 2020ના રોજ હાથરસમાં કેટલાક યુવકો દ્વારા એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પછી યુવતીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
SC-ST કોર્ટે ત્રણ આરોપી લવ-કુશ, રામુ અને રવિને નિર્દોષ જાહેર કર્યા છે. સંદીપને કોર્ટે 3/110 અને 304 હેઠળ દોષિત ઠેરવ્યો છે. જો કે, પીડિત પક્ષ ચુકાદાથી અસંતુષ્ટ દેખાયો હતો. આ નિર્ણય સામે પીડિત પક્ષ હાઈકોર્ટમાં જઈ શકે છે.
પીડિતાના નિવેદન પર ચાર યુવકોને આરોપી બનાવવામાં આવ્યા હતા
પીડિતાએ સારવાર દરમિયાન પોતાના નિવેદનમાં ચાર યુવકો સંદીપ, રામુ, લવકુશ અને રવિ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. જેના આધારે પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી હતી. આ મામલામાં યુપી પોલીસ પર તમામ પ્રકારના સવાલો ઉભા થયા છે. આરોપ છે કે પોલીસે પરિવારને જાણ કર્યા વિના યુવતીના અંતિમ સંસ્કાર કર્યા હતા. એટલું જ નહીં, યુપી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દાવો કર્યો હતો કે પીડિતા પર ગેંગરેપ થયો નથી. યુપી પોલીસના આ નિવેદન બાદ કોર્ટે યુપી પોલીસને ફટકાર લગાવી હતી. યોગી સરકારે આ મામલે SITની રચના પણ કરી હતી.
જો કે દેશભરમાં આ ઘટનાનો વિરોધ થયો હતો. આ મામલામાં યોગી સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, જે બાદ સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી અને પીડિત પરિવારની ઘણી વખત પૂછપરછ કરી હતી. એટલું જ નહીં સીબીઆઈએ અલીગઢ જેલમાં બંધ ચારેય આરોપીઓની પૂછપરછ કરી હતી. આરોપીઓના પોલીગ્રાફી ટેસ્ટ અને બ્રેઈન મેપિંગ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં જ સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
સીબીઆઈએ 22 સપ્ટેમ્બરે પીડિતાના છેલ્લા નિવેદનના આધારે ચાર્જશીટ દાખલ કરી હતી અને નિર્ણય કોર્ટ પર છોડી દીધો હતો. સીબીઆઈએ હાથરસ કેસ સંબંધિત કેસમાં 4 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ ચારેય આરોપીઓ સામે હત્યા, ગેંગરેપ અને એસસી-એસટી એક્ટની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇએ કલમ 325, એસસી-એસટી એક્ટ 376 એ અને 376 ડી (સામૂહિક બળાત્કાર) અને 302 હેઠળ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.