જૂનાગઢમાં દિવાળીની રાત્રે 'ખૂની ખેલ': ફટાકડા ફોડવાના વિવાદમાં 27 વર્ષીય દિવ્યાંગની ઘાતકી હત્યા, એક જ પરિવારના 3 સહિત 5 આરોપી ઝડપાયા
Junagadh Crime News: આ સમગ્ર ઘટના ફટાકડા ફોડવા જેવી તુચ્છ બાબતને લઈને બની હતી, જેણે એક 27 વર્ષીય દિવ્યાંગ યુવકનો ભોગ લીધો હતો.

Junagadh Crime News: જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની એક સામાન્ય બાબતે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 27 વર્ષીય દિવ્યાંગ યુવકનું ઘાતકી મૃત્યુ થયું છે. મોડી રાત્રે રોડ પર ફટાકડા ફેંકવા બાબતે મૃતક દિવ્યાંગ ઉર્ફે યસ અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન દિવ્યાંગનો સોનાનો ચેન તૂટી જતાં મામલો બિચક્યો હતો. મૃતકની માતા પુષ્પાબેન ચુડાસમા ની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે ગળાના ભાગ પાસે ગંભીર ઘા વાગતાં વધુ પડતું લોહી વહી જવાથી દિવ્યાંગનું મૃત્યુ થયું હતું. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા એ આ સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.
ફટાકડા ફોડવા બાબતે ઝઘડો અને સોનાના ચેનનો વિવાદ
જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારની રાત લોહિયાળ બની હતી. આ સમગ્ર ઘટના ફટાકડા ફોડવા જેવી તુચ્છ બાબતને લઈને બની હતી, જેણે એક 27 વર્ષીય દિવ્યાંગ યુવકનો ભોગ લીધો હતો. આ મામલે મૃતકની માતા પુષ્પાબેન ચુડાસમા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, મોડી રાત્રે રોડ પર ફટાકડા ફેંકવાની બાબતને લઈને દિવ્યાંગ યુવક, જેનું નામ દિવ્યાંગ ઉર્ફે યસ હતું, તેની આરોપીઓ કેવલ જોશી અને રાજ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઝપાઝપી દરમિયાન દિવ્યાંગના ગળામાં પહેરેલો સોનાનો ચેન તૂટી ગયો હતો. આ બાબતનું મનદુઃખ વધતાં બંને પક્ષો વચ્ચે ગળાગળા થતા મામલો વધુ બિચક્યો હતો અને તે ખૂની ખેલમાં પરિણમ્યો હતો.
પાંચ આરોપીની ધરપકડ: જીવલેણ હથિયારથી હુમલો
પુષ્પાબેન ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રામસિંહ બારડ, તેની માતા અને પિતા રામભાઈ બારડ તેમજ કેવલ જોશી અને રાજ આ પાંચ આરોપીઓએ ભેગા મળીને દિવ્યાંગ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ હુમલા માટે લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હતો.
આ હુમલામાં દિવ્યાંગને ખંભાના ગળાના ભાગની નજીક ગંભીર અને જીવલેણ ઘા વાગ્યો હતો. વધુ પડતું લોહી વહી જવાના કારણે દિવ્યાંગનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા દ્વારા અપાયેલી વિગતો અનુસાર, એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની આ ઘાતકી હત્યાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. એક સામાન્ય બોલાચાલીએ લીધેલા આ કરુણ અંતને કારણે જૂનાગઢમાં શોક અને સનસનાટીનો માહોલ છે.





















