ઉચ્ચાધિકારીના પુત્રે માતા-પિતા, નાના ભાઈની હત્યા કરીને કારમાં લાશને અલગ અલગ ઠેકાણે ફેંકી, જાણો હત્યામાં કોણે કરી મદદ ?
સરફરાઝે પોલીસને આડે પાટે ચડાવવા પોતાની જ કારમાંથી ત્રણેયની લાશ અલગ અલગ જગ્યાએ ફેંકી હતી.
લખનઉઃ લખનઉમાં બનેલી આઘાતજનક ઘટનામાં પુત્રે પોતાના જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી નાંખી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી રિટાયર્ડ થયેલા ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં, તેમના પત્ની દરક્ષા અને નાના પુત્ર શાવેઝની હત્યાના કેસમાં પોલીસે મોટા પુત્ર સરફરાઝની ધરપકડ કરી છે.
સરફરાઝે પોલીસને આડે પાટે ચડાવવા પોતાની જ કારમાંથી ત્રણેયની લાશ અલગ અલગ જગ્યાએ ફેંકી હતી. સરફરાઝનેપોતાના પરિવારની હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી.
પોલીસ પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું કે તેણે પાંચ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા પણ પરિવારના લોકો નારાજ હતા તેથી તેની અવગણના કરતા હતા. આ કારણે પતિ-પત્નિ બંને પહેલાં કોલકાતા અને પછી બેંગલુરુમાં રહેતા હતા. ઘરનાં લોકો તેને વશમાં કરવા માટે તાંત્રિક વિધિ કરાવતા હતા એવું પણ સરફરાઝનું માનવું છે.
સરફરાઝને ઓગસ્ટમાં પોતાની બહેનના નિકાહ થવાના હોવાની જાણકારી મળી. પરિવારે તેને જાણ સુધ્ધાં નહોતી કરી. ગુસ્સામાં આવી ગયેલા સરફરાઝે ત્યારે જ પરિવારના લોકોની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. તેણે સૌથી પહેલાં વૈકુંઠ ધામમાં કામ કરતા અનિલનો સંપર્ક કરીને 1.80 લાખ રૂપિયાની સોપારી આપી. 27 નવેમ્બર, 2021નાં રોજ બહેનના નિકાહ હતા તેથી તે ઘરે આવ્યો અને રોકાય ગયો. તક મળતાં જ 5 જાન્યુઆરીએ પરિવારના સભ્યોની હત્યા કરી દીધી.
એસપી હ્યદયેશ કુમારે જણાવ્યું કે, 5 જાન્યુઆરીએ સરફરાઝ અને અનિલે દાળમાં 80 જેટલી ઊંઘની ગોળી નાખી દીધી હતી. માતા-પિતા અને ભાઈ ગાઢ નિંદરમાં જાત રહેતાં બંને આરોપીઓએ રાત્રે જ ત્રણેયના ગળા કાપી નાખ્યા. પોલીસને ગુમરાહ કરવા ત્રણેયના મૃતદેહને પોતાની કારમાં મૂકીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા.
સરફરાઝે બધાંને જણાવ્યું કે, પરિવાર જમ્મુ-કાશ્મીર ગયો છે અને ત્યાં ફસાઈ ગયો છે. પછી પોતે કોરોના પોઝિટિવ છે એણ કહીને મળવાનું ટાળતો. તેની બહેન અનમને શંકા જતાં બહેનની શંકા દૂર કરવા માટે સરફરાઝ 13 જાન્યુઆરીએ ફ્લાઈટથી જમ્મૂ ગયો હતો. બહેન અનમને ભાઈ શાવેઝના મોબાઈલથી કાશ્મીરમાં ફસાયા હોવાની જાણકારી આપી કે જેથી તેને વિશ્વાસ થઈ જાય કે આખો પરિવાર કાશ્મીરમાં છે. જો કે ત્રણેયના કોલ ડિટેઈલ અને લોકેશન કાઢવામાં આવ્યા તો જાણકારી મળી કે ઘટનાવાળા દિવસે ત્રણેયનું લોકેશન લખનઉમાં જ હતું.