‘લગ્ન વિના 'બેશરમ' થઇને સાથે રહો છો, લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટ્રેશન કેવી રીતે પ્રાઇવેસીનું કરી રહ્યું છે ભંગ’
ઉત્તરાખંડ હાઈકોર્ટમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી થઈ હતી જેમાં લિવ-ઈન રિલેશનશિપના ફરજિયાત રજિસ્ટ્રેશનને પડકારવામાં આવ્યો હતો

ઉત્તરાખંડ હાઈકોર્ટમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી થઈ હતી જેમાં લિવ-ઈન રિલેશનશિપના ફરજિયાત રજિસ્ટ્રેશનને પડકારવામાં આવ્યો હતો. જેના પર કોર્ટે આકરી ટિપ્પણી કરતા પૂછ્યું હતું કે જ્યારે કપલ્સ લગ્ન વિના "બેશરમ" રીતે સાથે રહે છે તો પછી રજિસ્ટ્રેશન તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન કેવી રીતે કરી રહી છે?
ચીફ જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ આલોક મહેરાની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, "તમે સમાજમાં રહો છો, કોઇ જંગલની ગુફામાં નહીં. તમારા પાડોશીઓ અને સમાજ પહેલાથી જ જાણે છે કે તમે સાથે રહો છો. આવી સ્થિતિમાં લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન તમારી ગોપનીયતાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે?"
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું?
આ કેસમાં આંતર-ધાર્મિક દંપત્તીએ અરજી દાખલ કરીને આ દલીલ કરી હતી કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હેઠળ લિવ-ઇન રિલેશનશિપની ફરજિયાત નોંધણી તેમના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
કપલે કહ્યું હતું કે "ફરજિયાત રજિસ્ટ્રેશન તેમના ખાનગી જીવનમાં બિનજરૂરી દખલગીરી છે. આંતર-ધાર્મિક યુગલો માટે સમાજમાં રહેવું પહેલાથી જ મુશ્કેલ છે, આવી સ્થિતિમાં આ નિયમ તેમના માટે વધારાની સમસ્યાઓ ઊભી કરશે. ઘણા લિવ-ઇન સંબંધો સફળ લગ્નમાં ફેરવાય છે પરંતુ આ જોગવાઈ વ્યક્તિગત સ્વતંત્રતાને અવરોધે છે."
યુસીસી અને લિવ-ઇન સંબંધો
ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય છે જેણે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરી છે. આ અંતર્ગત રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપ અને વસિયતનામાની નોંધણી માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
યુસીસી શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન નાગરિક કાયદો છે જે વિવિધ ધર્મોના રિવાજોને બદલશે અને લગ્ન, છૂટાછેડા, મિલકતના વિભાજન અને ભરણપોષણ સંબંધિત બાબતોનું નિયમન કરશે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી ઉત્તરાખંડમાં લગ્ન, રિલેશનશીપ, મિલકત, બહુપત્નિત્વ વગેરે જેવી ઘણી બાબતો હવે પહેલા જેવી રહી નથી. આ કાયદાના અમલ સાથે લગ્ન રજિસ્ટ્રેશન ફરજિયાત બની ગઈ છે. આ સાથે બહુપત્નિત્વ અને હલાલા જેવી પ્રથાઓ બંધ થઈ જશે.
લિવ-ઇન માટે નોંધણી શા માટે ફરજિયાત છે?
સરકારનું કહેવું છે કે આ જોગવાઈ ગેરકાયદેસર સંબંધો અને મહિલાઓના શોષણને રોકવા માટે લાવવામાં આવી છે. પરંતુ ઘણા લોકો તેને વ્યક્તિગત સ્વતંત્રતાની વિરુદ્ધ માને છે. કોર્ટ આ કેસની સુનાવણી અન્ય અરજીઓ સાથે 1 એપ્રિલે કરશે. યુસીસી હેઠળ લિવ-ઇન નોંધણીની જરૂરિયાત યથાવત રહેશે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
