ભાવનગરમા મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, આરોપીઓએ પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યું મરચું
ભાવનગર જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે

રાજ્યની સરકાર દીકરીઓની સલામતીની વાત કરે છે પરંતુ ભાવનગર જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પીડિતાને કહ્યું હતું કે ‘તને માતા-પિતા મળવા બોલાવે છે’ એમ કહીને પીડિતાનું આરોપીઓએ અપહરણ કર્યું હતું અને બાદમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખવામાં આવ્યું હતું.
બી. ડિવિઝન વિસ્તારમાં પરિણીત મહિલાનું પહેલા કારમાં અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ મહિલાને બે ભાન કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખીને આરોપીઓ ફરાર થયા હતા. સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું ખુલ્યું છે. અગાઉ બનેવી સાથે મહિલાને અફેર હોવાનું સગા સાળાઓને જાણવા મળતા બનેવીની પ્રેમિકા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તમામ આરોપીઓ ફરાર થયા છે
આ મામલે પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. અગાઉ દીપક લાઠીયા નામના શખ્સ સાથે ફરિયાદી મહિલાને પ્રેમ સંબંધ હતો અને બાદમાં વકીલ હસ્તક સમજૂતી કરીને છૂટા પડી ગયા હતા. બાદમાં દિપકના શાળા મનસુખ, મુકેશ અને પિન્ટુ દ્વારા શંકા રાખીને બદઈરાદે આ મહિલાને બે દિવસ પહેલા રાત્રિના આઠ વાગે ઘરે એક અજાણ્યા માણસને મોકલીને તેના મમ્મી પપ્પા તેને મળવા માટે બોલાવે છે તેવું કહીને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મહિલાને એરપોર્ટ રોડ ઉપર અવાવરુ જગ્યામાં આવેલ મકાનમાં લઈ જઈ રૂમમાં તેને ગોંધી રાખી મનસુખ મકવાણા અને મુકેશ મકવાણા એ માર મારી મનસુખે તેના ગળાના ભાગે છરી રાખી તેમજ મહિલાના દીકરાને મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસ દ્વારા બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને હાલ ભોગ બનનાર મહિલાને સરકારી હોસ્પિટલમાં પોલીસની દેખરેખ હેઠળ મેડિકલ ચેકઅપ અને કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા છે.





















