અમદાવાદ જિલ્લાના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો, કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો હતો તેની માહિતી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી હતી. વિનોદ રાવના આદેશથી DEO એ શાળાઓને વોઇસ મેસેજ મોકલ્યો હતો કે તે વિદ્યાર્થીઓને શોધીને, ઘરે જઈને, રજીસ્ટર કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડો. સામાન્ય સંજોગોમાં વાલીઓ શાળામાં એડમીશન લેવા આવે છે સાથે વિદ્યાર્થી હોય છે. ફોર્મ ભરે છે, ખાનગી શાળા હોય તો ફી ભરે છે અને ત્યારબાદ એડમીશન લે છે અને અંતમાં CRCને ઓનલાઈન એન્ટ્રી માટે માહિતી મોકલવામાં આવે છે. હાલમાં પ્રથમ ક્વાટર પણ પુર્ણ થયેલ છે ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને સરકારને નાલોશીથી બચાવવા શિક્ષણ વિભાગ અવનવા ગતકડા કરી રહ્યું છે.પરંતુ કથળતા શિક્ષણના લીધે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ પ્રતિભાવ ન આપતા DEO ના શિક્ષણ વિભાગના સ્ટાફ અને CRC એ વાલીઓ, વિદ્યાર્થીઓએ અને શાળાઓને જણાવ્યા વગર તે જ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરી દીધી.
શું આ રીતે ભણશે ગુજરાત ?
હેમાંગ રાવલ મીડિયા કો કન્વીનર, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ૧૬૫૭ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?
શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી
ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર,લગ્ન પ્રસંગે દિવસો જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યશ્રીને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર ૧૦% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી, હકીકત તો એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે. આજે માત્ર અમદાવાદ જિલ્લામાં ધોરણ ૮ માંથી પાસ થયેલા ૧૦,૦૦૦ જેટલા વિધાર્થીઓ ડ્રોપ આઉટ થતા શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI