BJPએ પશ્વિમ બંગાળના રાજ્યપાલ સાથે કરી મુલાકાત, 107 નગરપાલિકાઓમાં ફરીથી મતદાનની કરી માંગ
પોલીસ અને ચૂંટણી પંચ પર હેરાફેરી અને હુમલાઓને રોકવામાં તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ જવાનો ભાજપે આરોપ લગાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને વિનંતી કરી હતી કે રાજ્ય ચૂંટણી પંચને કેન્દ્રીય દળોને તૈનાત કરીને 107 નાગરિક સંસ્થાઓમાં નવેસરથી ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવે. ભાજપનું પ્રતિનિધિમંડળ રવિવારે રાત્રે રાજ્ય ચૂંટણી પંચ (SEC)ને મળ્યુ હતું. ત્યારબાદ રાજ્યપાલ સમક્ષ આ રજૂઆત કરાઇ હતી. આ પ્રતિનિધિમંડળમાં પાર્ટીના મહાસચિવ અગ્નિમિત્રા પોલ અને શિશિર બજોરિયા પણ સામેલ હતા.
બાદમાં પત્રકારોને અગ્નિમિત્રા પોલે જણાવ્યું હતું કે કેન્દ્રીય દળોને તૈનાત કરી ફરીથી મતદાન કરાવવાની અમારી માંગણી પર રાજ્ય ચૂંટણી કમિશનર સૌરવ દાસના પ્રતિસાદથી અમે ખુશ નથી. એટલા માટે અમે આ મુદ્દે રાજ્યપાલના હસ્તક્ષેપ માટે રાજભવન આવ્યા છીએ. મમતા બેનર્જીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં લોકશાહી જોખમમાં છે.
પાર્ટીએ રાજ્ય ચૂંટણી પંચને લખેલા પોતાના પત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ માનનીય હાઈકોર્ટના નિર્દેશ હેઠળ મુક્ત અને નિષ્પક્ષ નગરપાલિકા ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં તેની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયું છે. પરિણામે તમામ 107 નગરપાલિકાઓમાં વ્યાપક હેરાફેરી થઈ છે અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો પર હુમલાઓ કરવામાં આવ્યા હતા.
પોલીસ અને ચૂંટણી પંચ પર હેરાફેરી અને હુમલાઓને રોકવામાં તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવતા ભાજપે માંગ કરી હતી કે 107 નગરપાલિકાઓમાં રવિવારની ચૂંટણીઓને "અમાન્ય" જાહેર કરવામાં આવે અને કેન્દ્રીય પોલીસ દળોના રક્ષણ હેઠળ ફરીથી મતદાન કરવામાં આવે.
ભાજપે રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તે તેમની રજૂઆત પર રાજ્ય ચૂંટણી પંચની પ્રતિક્રિયાથી ખુશ નથી. તેમણે કહ્યું, "અમારી પાસે આ બાબતમાં તમારા હસ્તક્ષેપની વિનંતી કરવા સિવાય કોઈ વિકલ્પ વધ્યો નહોતો. ધનખડેએ પ્રતિનિધિમંડળને મળતા પહેલા સોમવારે રાજ્યના ચૂંટણી કમિશનરને રાજભવન ખાતે મળવા કહ્યું હતું.