મારું બ્લાઉઝ ટાઈટ રાખજો... હેમા માલિનીએ અમિતાભ સાથે રોમાંસ માટે રાખી હતી આ શરત, જાણો કેમ
અમિતાભ બચ્ચન સાથેના અરીસા સામેના સીનને વધુ રોમેન્ટિક બનાવવા હેમાએ રાખી શરત, રેણુ ચોપરાએ ખોલ્યું રહસ્ય.

Hema Malini Baghban scene: અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની સુપરહિટ ફિલ્મ ‘બાગબાન’ આજે પણ દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ફિલ્મમાં અમિતાભ અને હેમાની જોડી અને તેમના રોમેન્ટિક સીન્સને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. હવે, ફિલ્મને લઈને એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. રવિ ચોપરાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મના સેટ પર હેમા માલિનીએ એક રોમેન્ટિક સીનને વધુ અસરકારક બનાવવા માટે ખાસ માંગણી કરી હતી, જે જાણીને તમે પણ ચોંકી જશો.
હાલમાં જ રવિ ચોપરાનાં પત્ની રેણુ ચોપરાએ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ ‘બાગબાન’ સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા પાસાઓ પરથી પડદો ઉઠાવ્યો હતો. રેણુ ચોપરાએ જણાવ્યું કે, હેમા માલિનીએ ફિલ્મમાં એક એવા સીન માટે ટાઈટ બ્લાઉઝ બનાવવાની શરત મૂકી હતી, જેમાં અમિતાભ બચ્ચન પાછળથી આવીને તેમને સ્પર્શે છે.
પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યૂમાં રેણુ ચોપરાએ જણાવ્યું હતું કે, હેમા માલિની ફિલ્મ ‘બાગબાન’માં ખુબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. તેમણે રાજ અને પૂજાના પાત્રો વચ્ચેના સંબંધોને વધુ સારી રીતે દર્શાવવા માટે ઘણી મદદ કરી હતી અને કિંમતી સલાહ પણ આપી હતી.
બ્લાઉઝ ટાઈટ કરવાની હેમાની માંગણી
રેણુ ચોપરાએ તે કિસ્સાને યાદ કરતા કહ્યું, ‘ફિલ્મમાં એક સીન હતો, જેમાં હેમા માલિની અરીસા સામે ઊભા રહીને તૈયાર થાય છે. ત્યારે જ અમિતાભ બચ્ચન પાછળથી આવે છે અને તેમને જોઈને કહે છે, ‘વાહ’. આ સીનને વધુ રોમેન્ટિક બનાવવા માટે હેમા માલિનીએ મને કહ્યું કે, તેનું બ્લાઉઝ થોડું ટાઈટ બનાવવામાં આવે. હેમાજીનું માનવું હતું કે જ્યારે અમિતજી પાછળથી આવીને તેમને સ્પર્શે, ત્યારે બ્લાઉઝ ચુસ્ત રીતે બંધાયેલું હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘તે સ્પર્શ મને જોઈતો દેખાવ આપશે’. હેમાજીના કહેવાનો અર્થ એ હતો કે લગ્નના આટલા વર્ષો પછી પતિનો સ્પર્શ કેવો રોમેન્ટિક હોઈ શકે છે, તે આ સીન દ્વારા દર્શાવવું હતું. રેણુ ચોપરાએ હેમા માલિનીના વખાણ કરતા કહ્યું કે, હેમા વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ રોમેન્ટિક વ્યક્તિ છે.’
માતાની સલાહથી સ્વીકારી ફિલ્મ
હેમા માલિનીએ એક અન્ય ઇન્ટરવ્યૂમાં ફિલ્મ ‘બાગબાન’ સ્વીકારવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે ખુલાસો કર્યો હતો કે, આ ફિલ્મ તેમણે તેમની માતાના આગ્રહથી કરી હતી. હેમા માલિનીએ કહ્યું હતું કે, ‘જ્યારે રવિ ચોપરા ફિલ્મ ‘બાગબાન’ની વાર્તા લઈને મારી પાસે આવ્યા અને શુભ સમયે ફિલ્મની વાર્તા સંભળાવી, ત્યારે મારી માતા પણ મારી સાથે બેઠી હતી. વાર્તા સાંભળ્યા બાદ રવિ ચોપરા જતા રહ્યા, ત્યારે મેં મારી માતાને કહ્યું, ‘શું તેઓ મને આવા ચાર મોટા છોકરાઓની માતાની ભૂમિકા ભજવવા માટે કહી રહ્યા છે? હું આ કેવી રીતે કરી શકું?’ ત્યારે મારી માતાએ મને સમજાવતા કહ્યું, ‘ના, ના, તમારે આ ફિલ્મ ચોક્કસ કરવી જોઈએ. ફિલ્મની વાર્તા ઘણી સારી છે.’ અને મારી માતાની વાત માનીને મેં આ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું.’
નોંધનીય છે કે, ‘બાગબાન’ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 43 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં સલમાન ખાન અને મહિમા ચૌધરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો....
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા





















