યમરાજ કોલિંગ-2 જોયા બાદ ઉદાસ ચહેરા પર પણ આવી જશે ખુશી
વેબ સિરીઝમાં પહેલી સિઝનના કલાકારોની અદાકારી આ વખતે પણ જોવા મળશે.
આજે અમે જોયેલી વેબ સિરીઝ યમરાજ કોલિંગ સિઝન 2 શેમારુમી OTT પ્લેટફોર્મ પર જોઈ, જે થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝની પહેલી સિઝન હિટ થયા બાદ શેમારુમીએ તેનો બીજો ભાગ બનાવ્યો અને આ શો પ્રેક્ષકોને જલસા કરાવી રહ્યો છે. સાત એપિસોડ ધરાવતી યમરાજ કોલિંગ-2ને પણ ધર્મેશ મહેતાએ જ ડિરેક્ટ કરી છે.
વેબ સિરીઝમાં પહેલી સિઝનના કલાકારોની અદાકારી આ વખતે પણ જોવા મળશે. જોકે આ વખતે એક નવા પાત્ર તરીકે ધર્મેશ વ્યાસની એન્ટ્રી થઈ છે. પાર્ટ-2માં અમર મહેતા (દેવેન ભોજાણી) અને તેમના પરિવાર પર આવતી મુશ્કેલીઓની વાર્તા છે. સુખરૂપ જીવન જીવતા અમરના પિતાને બ્રેઇન ટ્યૂમર થયું હોવાની જાણ થાય છે, પરંતુ સારવારના ખર્ચ માટે અમર પાસે પૈસા નથી. બીજી તરફ અમરના પુત્રનું સપનું પણ વેરવિખેર થઈ જાય છે. એમાંય અમરની પત્ની અને પુત્રીની ચિંતા તો અલગ જ છે. એમાં વળી પોતાની પરેશાનીથી છુટકારો મેળવવા બાપુજી ઘર છોડવાનો નિર્ણય કરે છે. જોકે પરિવાર તેમને મનાવી લે છે, પણ તેઓ એક શરત મુકે છે. હવે અમરનો પરિવાર આ શરત પૂર્ણ કરી શકશે કે નહીં, તે જોવા માટે તમારે શેમારુમી OTT પર યમરાજ કોલિંગ-2 વેબ સિરીઝ જોવી રહી.
હવે વાત, કરીએ કલાકારોની તો યમરાજ કોલિંગ-2માં દેવેન ભોજાણીની સાથે નિલમ પંચાલ, દીપક ઘીવાલા, મઝેલ વ્યાસ અને મીત વ્યાસ જોવા મળશે. બીજો ભાગ જોયા બાદ ચોક્કસ કહી શકાય કે, આ વખતે દર્શકોને વેબ સિરીઝના પહેલાં પાર્ટ કરતાં બીજો પાર્ટ વધુ પસંદ આવશે. યમરાજ કોલિંગ-2માં એ તમામ મનોરંજન જોવા મળશે, જે એક પરિવાર પોતાની જિંદગીમાં અનુભવે છે. આ વાર્તાને તમે પોતાના જીવન સાથે ક્યાંકને ક્યાંક ચોક્કસ જોડી શકશો. રોજબરોજની મુશ્કેલી અને તકલીફોમાં જિંદગી કેવી રીતે હળવી બનાવીને જીવી શકાય તેને સારી રીતે રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં રમૂજની સાથે સ્ટ્રોંગ મેસેજ પણ છે. આ વેબ સિરીઝમાં ગમવા લાયક બાબત છે ભાર્ગવ ત્રિવેદીએ લખેલા વન લાઈનર્સ. આ સિવાય આજની વર્તમાન પરિસ્થિતીઓ સાથે આ વેબ સિરીઝને ઘણી સારી રીતે જોડવામાં આવી છે. એક પિતા કઈ રીતે પોતાના બાળકોનો દોસ્ત બની શકે છે જો એ જાણવું હોય તો આ વેબ સિરીઝ અચૂક જોવી જોઈએ.