Delhi-NCR News: ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં કરી રહ્યાં હતા ડ્રગ્સની તસ્કરી, દિલ્લી પોલીસના ASI સહીત 6 લોકોની ધરપકડ
હરિયાણાની પલવલ પોલીસે ડ્રગ સ્મગલિંગ કેસમાં દિલ્હી પોલીસમાં તૈનાત એક ASI સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં ટ્રક દ્વારા ડ્રગ્સની દાણચોરી કરતા હતા.
ગુરુગ્રામઃ દિલ્હી પોલીસના એક ASI અને તેના પાંચ સાગરીતોની ડ્રગ્સની તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પુષ્પા ફિલ્મમાં બતાવેલ લાલ ચંદનની તસ્કરીની જેમ જ ડ્રગ્સની તસ્કરી કરતા હતા. હરિયાણાના પલવલ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો લગભગ 1,370 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓમાં ASI શોએબ, આસિફ, મોહમ્મદ, આસ મોહમ્મદ, લખપત અને તૌફીકનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ નુહ અને પલવલ જિલ્લાના રહેવાસી છે.
આરોપીઓએ ટ્રકમાં આ રીતે છુપાવ્યું હતું ડ્રગ્સ
પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત માદક પદાર્થને 44 બોરીઓમાં પેક કરવામાં આવ્યો હતો અને ઓડિશાથી મેવાત આવેલા ટ્રકમાં નારિયેળની નીચે છુપાવવામાં આવ્યો હતો. પલવલના પોલીસ અધિક્ષક રાજેશ દુગ્ગલે જણાવ્યું કે ધરપકડ કરાયેલ શોએબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત છે.
દિલ્લી પોલીસના ASI સહીત 6 લોકોની ધરપકડ
એક મીડિયા રીપોર્ટ અનુસાર, પલવલના પોલીસ અધિક્ષક રાજેશ દુગ્ગલે કહ્યું, "અમને એક બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગાંજો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમી મળ્યાં પછી હોડલ નજીક હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. દરમિયાન શંકાસ્પદ ટ્રક ત્યાં પહોચ્યો હતો. ટ્રકની તાપસ કરતા તેમાંથી નારીયેળની નીચે સંતાડેલો 1370 કિલો ગાંજો મળી આવ્યો હતો. તેણે કહ્યું કે એક કાર ટ્રકને એસ્કોર્ટ કરી રહી હતી જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત ASI શોએબ સવાર હતા. શોએબ સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે ગાંજો રાયગઢથી લોડ કરવામાં આવ્યો હતો અને તેને નૂહ અને પલવલ જિલ્લામાં લઈ જવામાં આવી રહ્યો હતો.