નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે સુખરામ રાઠવાએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ખોડલધામ પ્રમુખ તેમજ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષમાં જોડાશે એ પ્રશ્નની આજકાલ ખુબ ચર્ચાઓ થઇ રહી છે.
ખોડલધામ પ્રમુખ તેમજ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ ક્યાં રાજકીય પક્ષમાં જોડાશે એ પ્રશ્નની આજકાલ ખુબ ચર્ચાઓ થઇ રહી છે. એક બાજુ કોંગ્રેસે તેમને આમંત્રણ આપી દીધું છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને આપમાં જોડવા આતુર છે. હવે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
તો 2022માં કોંગ્રેસની સરકાર બનશે!
વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તો વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. જો કોંગ્રેસની સરકાર બનશે તો નરેશ પટેલને મુખ્યપ્રધાન બનાવવા કે નહીં તેનો નિર્ણય હાઈકમાન લેશે.
આ ધારાસભ્યો અમારા સંપર્કમાં : સુખરામ રાઠવા
આ સાથે સુખરામ રાઠવાએ એ પણ દાવો કર્યો કે પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને આ સાથે જ ભાજપમાં જેમને ટિકિટ નથી મળવાની એ ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
પાટીદાર અનામત આંદોલનના 10 કેસો પરત ખેંચાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસો પરત ખેંચશે. 15 એપ્રિલે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન સમયના આ 10 કેસોમાં હાર્દિક પટેલ સામેના 2 કેસ, કૃષ્ણનગરના 2 કેસ, નરોડા,રામોલ,બાપુનગર,ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ રેલ્વે,સાબરમતી,નવરંગપુરા, શહેર કોટડાના એક એક કેસનો સમાવેશ થાય છે. +
રાજદ્રોહ સિવાયના તમામ કેસો પરત ખેંચાશે
ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે.