IVF Technology: રાજ્યના પશુપાલકો માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો કઈ સહાયની કરવામાં આવી જાહેરાત
ગાંધીનગર: રાજયના પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા પશુઓમાં આધુનિક આઈ.વી.એફ ટેકનોલોજીના ઉપયોગ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
ગાંધીનગર: રાજયના પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા પશુઓમાં આધુનિક આઈ.વી.એફ ટેકનોલોજીના ઉપયોગ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પશુઓમાં આઈ.વી.એફ. થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રાજ્ય સરકાર રૂપિયા ૧૫ હજાર અને કેન્દ્ર સરકારની રૂપિયા ૫ હજાર મળી રૂપિયા ૨૦ હજારની સહાય આપશે
આ અંગે પશુપાલન મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,રાજયના પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.પશુ સંવર્ધનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાય -ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોની આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુઓમાં આઈવીએફથી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા ૧૫ હજારની સહાયની આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રથમ વર્ષે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦૦૦ પશુપાલકોને લાભ આપવા માટે રૂ. ૧ કરોડ ૫૦ લાખની જોગવાઈ કરી છે.
મંત્રીએ ઉમેર્યું કે,રાજ્યના પશુપાલકો માટે દરેક નવી ટેક્નોલોજી ઓછા ખર્ચે પોષાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવા અને પશુપાલકોમાં ઝડપથી સ્વીકૃત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.તેમણે ઉમેર્યું કે,સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરી અંદાજે ૧૨ થી ૨૦ જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. આમ,આ ટેક્નોલોજીના ઉપયોગથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા માદા પશુઓનો મહત્તમ ઉપયોગ શક્ય છે અને આડકતરી રીતે વધુ દુધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓ પશુપાલકોને ઉપલબ્ધ કરાવી પશુપાલકની આવકમાં વધારો થઈ શકે તેમ હોઈ આ નિર્ણય કરાયો છે.
ઉચ્ચ આનુંવંશીક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી,પ્રયોગ શાળામાં ફલીનીકરણ કરતાં મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે.આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય અને તેના પરિણામે વધું દૂધ ઉત્પાદન આપતા પશુઓ (ઉચ્ચ ગુણવત્તા વાળી વાછરડી/પાડી) પ્રાપ્ત થતાં પશુપાલક આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.આ ઉપરાંત ઓછી આનુવંશિકતા અને ઓછુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા અને પશુપાલકને આર્થિકરીતે બોજારૂપ પશુઓનો રેસીપીઅન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ ટેક્નોલોજી પશુપાલકો માટે વધુ આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.
તેમણે ઉમેર્યું કે,આ પ્રકારની ઉપ યોગિતાને ધ્યાને લઇને જ ભારત સરકાર દ્રારા રાષ્ટ્રિય ગોકુલ મિશન અંતર્ગત સેક્સડ સીમેનના ઉપયોગથી આઈ.વી. એફ. ટેક્નોલોજી દ્વારા ઉત્પન્ન કારાયેલ ભ્રૂણથી ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ગર્ભાવસ્થાનો ઝડપી ઓલાદ સુધારણા માટેનો કાર્યક્રમ અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમનાં અમલીકરણ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદને નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવેલ છે અને પશુમાં ગર્ભાવસ્થાની ખાતરી થાય તો, આઈ.વી.એફ. ટેકનોલોજીથી ગર્ભધારણ માટે અંદાજે થતાં કુલ રૂ.૨૧,૦૦૦/- ના ખર્ચ સામે ભારત સરકાર દ્વારા પ્રતિ ગર્ભાવસ્થા માટે પશુપાલકને રૂ.૫૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના પશુપાલકોને આ ટેક્નોલોજી ઝડપથી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારની યોજના હેઠળના લાભાર્થી પશુપાલકને રાજ્ય સરકારની વધારાની રૂ.૧૫૦૦૦/- પ્રતિ ગર્ભાવસ્થા સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું