રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરામાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ
ભાવનગર શહેરમાં વારંવાર રખડતા ઢોરના હુમલાથી ઘટનાઓથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે.
Bhavnagar News: ભાવનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો. જેથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને 108ની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ભાવનગર શહેરમાં વારંવાર રખડતા ઢોરના હુમલાથી ઘટનાઓથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે.
વડોદરામાં રખડતા શ્વાનના કારણે અકસ્માત સર્જાતા પૂર્વ ખેલાડીનું મોત થયું છે. 41 વર્ષીય નિલેશ સપકાલ ખાનગી બેંકમાં રિકવરી એજન્ટની નોકરી કરતા હતા અને કાયાવરોહણથી ડભોઇ બાઇક પર જતા સમયે શ્વાન આડે આવતા અકસ્માત સર્જાતા મોત થયું હતું. નિલેશ સપકાલ ખો-ખોના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ હતા.
અમદાવાદમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો.
ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે 3000 રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે 2000 ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે 600 રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે 1000 રુપિયા ચૂકવવાના રહેશે. જો કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી 500 રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.