Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક નદીઓ બે કાંઠે
રાજ્યમાં પુરજોશમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવાઝોડુ, આંધી વંટોળ સાથે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે એન્ટ્રી મારી છે.

ભાવનગર: રાજ્યમાં પુરજોશમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવાઝોડુ, આંધી વંટોળ સાથે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે એન્ટ્રી મારી છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે. સવારથી જ ભાવનગર જિલ્લાના 3 તાલુકામાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે. પાલીતાણા, મહુવા, વલ્લભીપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે થઈ છે.
ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મહુવા, તળાજા, વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલીતાણા, જેસર અને સિહોર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ભાવનગર જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ છે.
પાલીતાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ
ખાસ વાત છે કે પાલીતાણામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પર અસર પહોંચી છે. ભારે વરસાદથી નવાગઢ, નાની શાકમાર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. જિલ્લામાં અન્ય ગામોમાં જેવા કે, નવાગામ, લોલીયા, ખેતા ટીંબી, કાળા તળાવ ગામ, દરેડ, વાવડી, પીપળી, કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો છે. ભાવનગરની મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે.
સિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
ભાવનગરના સિહોર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સિહોરના વરલ, ટાણા, ગુંદાળા, સર, સાગવાડી જાંબાળા, કાજાવદર, સોનગઢ, પાલડી, પીપળીયા, સુરકા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સારા એવા વરસાદથી સિહોરના વરલ ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વહેલી સવારથી સિહોર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.
સિહોર તાલુકા પંથકમાં અત્યાર સુધીમાં 2 ઈંચ વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી સિહોર પાસે કોઝવે ધોવાયો હતો. બુઢણાથી પાલીતાણા હાઈવેને જોડતો કોઝવે ધોવાયો હતો. કોઝવેની રેલિંગ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો રોડ બંધ કરાયો હતો.
16 જૂનની આગાહી -
સોમવારે, 16 જૂનના રોજ પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.





















