EPFOમાં થયા આ પાંચ મોટા ફેરફારો, તમારી બચત પર થશે અસર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2025માં તેના સભ્યો માટે ઘણા મોટા ફેરફારો કર્યા છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2025માં તેના સભ્યો માટે ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓને સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. આ ફેરફારો ફક્ત કર્મચારીઓ માટે જ અનુકૂળ નથી. પરંતુ તે તેમની બચત અને પેન્શન સંબંધિત બાબતોને પણ અસર કરી શકે છે. ચાલો આ પાંચ મુખ્ય ફેરફારો સમજીએ.
તમારી પ્રોફાઇલ અપડેટ કરવી સરળ બની ગઈ
હવે EPFOમાં તમારી પ્રોફાઇલ અપડેટ કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે લિંક થયેલો હોય તો તમે કોઈપણ દસ્તાવેજ વિના તમારું નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ અને નોકરી શરૂ થવાની તારીખ જેવી વિગતો ઓનલાઇન અપડેટ કરી શકો છો. જોકે, જેમનો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા બનાવવામાં આવ્યો હતો તેમણે કેટલાક કિસ્સાઓમાં કંપની પાસેથી મંજૂરી લેવી પડી શકે છે. આ ફેરફાર કર્મચારીઓનો સમય અને મહેનત બચાવવામાં મદદ કરશે.
પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપી બનશે
અગાઉ, નોકરી બદલતી વખતે પીએફ ટ્રાન્સફર કરવું એ એક જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા હતી જેને કંપનીની મંજૂરીની જરૂર હતી. પરંતુ 15 જાન્યુઆરી, 2025 થી, EPFO એ તેને સરળ બનાવી દીધું છે. હવે મોટાભાગના કિસ્સાઓમાં જૂની કે નવી કંપનીની મંજૂરીની જરૂર રહેશે નહીં. જો તમારો UAN આધાર સાથે લિંક થયેલો હોય અને વિગતો (નામ, જન્મ તારીખ, લિંગ) મેળ ખાતી હોય તો PF ટ્રાન્સફર ઝડપથી થશે. આ તમારી બચતનું સંચાલન અને સાતત્ય સુનિશ્ચિત કરશે.
સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)
1 જાન્યુઆરી, 2025થી EPFO એ સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. હવે પેન્શન NPCI પ્લેટફોર્મ દ્વારા સીધું કોઈપણ બેન્ક ખાતામાં મોકલવામાં આવશે. અગાઉ, પેન્શન પેમેન્ટ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરને એક પ્રાદેશિક કચેરીથી બીજી પ્રાદેશિક કચેરીમાં ટ્રાન્સફર કરવો પડતો હતો, જેના કારણે વિલંબ થતો હતો. હવે આ પ્રક્રિયા ખત્મ થઇ ગઇ છે. ઉપરાંત, નવા PPO ને UAN સાથે લિંક કરવું ફરજિયાત રહેશે જેથી પેન્શનરો સરળતાથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે.
હાઇ સેલેરી પર પેન્શન માટે સ્પષ્ટ નિયમો
EPFO એ એવા કર્મચારીઓ માટે પેન્શન નિયમો સ્પષ્ટ કર્યા છે જેઓ તેમના હાઇ સેલેરીના આધારે પેન્શન લેવા માંગે છે. હવે બધા માટે એક જ પ્રક્રિયા અનુસરવામાં આવશે. જો કર્મચારીનો પગાર નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોય અને તે વધારાનું યોગદાન આપે, તો તેની હાઇ સેલેરી પર પેન્શન મળી શકે છે. ખાનગી ટ્રસ્ટ ચલાવતી કંપનીઓએ પણ EPFO ના નિયમોનું પાલન કરવું પડશે. આ નિયમ પેન્શનની રકમ વધારવામાં મદદ કરશે.
જોઇન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા થઇ સરળ
16 જાન્યુઆરી, 2025ના રોજ EPFO એ જોઇન્ટ ડિક્લેરેશન(JD) ની પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ખોટી કે અધૂરી માહિતી સુધારવાનું સરળ બનશે, જેનાથી દાવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે. આ ફેરફારો કર્મચારીઓ અને પેન્શનરો માટે EPFO સેવાઓમાં વધુ સુધારો કરશે.





















