RBI એ એટીએમ માટે બનાવ્યા નવા નિયમો: જાણો મફત ટ્રાન્ઝેક્શન, ચાર્જ અને રોકડ જમા-ઉપાડ પરની લિમિટ કેટલી થઈ
ભારતીય રિઝર્વ બેંકે (RBI) એટીએમ વ્યવહારોને લગતા નિયમોને સ્પષ્ટ કરીને ગ્રાહકો માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ નવા નિયમો બેંકો અને ગ્રાહકો બંને પર સીધી અસર કરશે.

RBI new ATM rules 2025: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એટીએમ (ATM) ના ઉપયોગ માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમોમાં ગ્રાહકોને મળતા મફત વ્યવહારોની સંખ્યા, નિર્ધારિત મર્યાદા પછી લાગતા ચાર્જ, અને રોકડ જમા-ઉપાડ પરની મર્યાદાઓનો સમાવેશ થાય છે. આ ફેરફારોનો હેતુ એટીએમ સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો છે.
RBI એ એટીએમ વ્યવહારો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. મેટ્રો શહેરોમાં ગ્રાહકોને દર મહિને 3 મફત એટીએમ વ્યવહારો મળે છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં આ સંખ્યા 5 છે. આ મર્યાદા ઓળંગ્યા બાદ દરેક નાણાકીય વ્યવહાર પર ₹23 + GST જેટલો ચાર્જ લાગી શકે છે. બેંકો બેલેન્સ ચેક જેવી બિન-નાણાકીય સેવાઓ માટે પણ ચાર્જ લઈ શકે છે. આ ઉપરાંત, એક વર્ષમાં ₹20 લાખથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જે કાળા નાણાંને અટકાવવાના પ્રયાસરૂપે છે.
મફત એટીએમ વ્યવહારોની મર્યાદા
RBI ના નિયમો મુજબ, એટીએમ મફત વ્યવહારોની સંખ્યા શહેરો પ્રમાણે અલગ-અલગ છે:
- મેટ્રો શહેરો: અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, કોલકાતા, અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં, ગ્રાહકોને દર મહિને 3 મફત એટીએમ વ્યવહારો મળે છે. આ મર્યાદામાં રોકડ ઉપાડ અને બેલેન્સ ચેક જેવી બિન-નાણાકીય તપાસ પણ સામેલ છે.
- નોન-મેટ્રો શહેરો: અન્ય શહેરોમાં, ગ્રાહકોને દર મહિને 5 મફત વ્યવહારોની સુવિધા મળે છે.
મર્યાદા પછી લાગતા ચાર્જ
જો કોઈ ગ્રાહક નિર્ધારિત મફત વ્યવહારોની મર્યાદા કરતાં વધુ વ્યવહાર કરે, તો બેંકો તે માટે ફી વસૂલશે. આ ફી દરેક બેંક અનુસાર અલગ-અલગ હોઈ શકે છે.
- નાણાકીય વ્યવહાર: પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹23 + GST નો ચાર્જ લાગી શકે છે.
- બિન-નાણાકીય વ્યવહાર: કેટલીક બેંકો, જેમ કે પંજાબ નેશનલ બેંક (PNB), બિન-નાણાકીય વ્યવહાર (જેમ કે બેલેન્સ ચેક) માટે ₹11 નો ચાર્જ વસૂલ કરે છે.
રોકડ વ્યવહારો પર નવા નિયમો
કાળા નાણાંને અંકુશમાં લેવા અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધારવા માટે, રોકડ વ્યવહારો પર પણ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
- PAN અને આધાર ફરજિયાત: એક વર્ષમાં કુલ ₹20 લાખ કે તેથી વધુ રોકડ બેંકમાં જમા કરાવવા અથવા ઉપાડવા માટે, ગ્રાહકે પાન કાર્ડ અને આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. આ નિયમ રોકડ આધારિત મોટા વ્યવહારો પર નજર રાખવામાં મદદ કરશે.
- કેશ રીસાયકલ મશીન: રોકડ જમા કરાવવા માટે સામાન્ય રીતે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ મર્યાદાથી વધુ ઉપાડ માટે બેંક અનુસાર ચાર્જ લાગી શકે છે.
વધારાના ચાર્જ કેવી રીતે ટાળવા?
બિનજરૂરી ચાર્જ ટાળવા માટે અહીં કેટલીક સરળ ટીપ્સ આપી છે:
- પોતાની બેંકના ATM નો ઉપયોગ કરો: શક્ય હોય ત્યાં સુધી તમારી પોતાની બેંકના એટીએમનો જ ઉપયોગ કરો, કારણ કે મોટાભાગની બેંકો પોતાના ગ્રાહકો માટે વધુ મફત વ્યવહારો આપે છે.
- ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરો: બેલેન્સ ચેક કરવા, સ્ટેટમેન્ટ જોવા, અથવા અન્ય બિન-નાણાકીય કાર્યો માટે નેટબેંકિંગ, મોબાઈલ બેંકિંગ, અથવા બેંકની સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરો.
- વ્યવહારોનો ટ્રેક રાખો: દર મહિને તમારા એટીએમના ઉપયોગ પર નજર રાખો જેથી તમે મફત મર્યાદા ઓળંગો નહીં.





















