Gandhinagar: રાજ્યમાં એક જ દિવસમાં 1401 કરોડ રૂપિયાના રોકાણ માટે ચાર MoU થયા, 2000થી વધુ લોકોને મળશે રોજગારી
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયા હતા
ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયા હતા. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. આ MoUથી ૨ હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.
ટેક્ષટાઈલ સેક્ટરમાં-૧૮૦૦, એન્જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૨૨૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. વડાપ્રધાનની મેક ઈન ઈન્ડિયાના લક્ષ્યને સાકાર કરતું બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરળતાએ ઉદ્યોગ શરૂ કરી શકાય તેવું પ્રો એક્ટીવ એડમીનીસ્ટ્રેશન ગુજરાતમાં છે.MoU કરનારા કંપનીઓએ રાજ્ય સરકારનાં અભિગમની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમનાં ગાંધીનગરમાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કંપનીઓ દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. ૧૪૦૧ કરોડના કુલ રોકાણો સાથે ૪ જેટલા MoU કરવામાં આવ્યા હતા. કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે ૨૨૮૫ જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર તરફથી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૨૭૬૧ કરોડ રૂપિયાના રોકાણોના ૧૦ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
ટેક્ષટાઈલ સેક્ટરમાં-૧૮૦૦, એન્જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૨૨૮૫ જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. MoU અનુસાર સાયખા અને દહેજ GIDC ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.૫૦ કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે.
આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ. ૪૯૩ કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે. હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ રૂ. ૩૦૦ કરોડના રોકાણો સાથે દહેજ-૧માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્ડીયા પ્રા. લિમિટેડ દહેજ-૩માં રૂ.૧૦૮ કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડ પિગ્મેન્ટ ઈન્ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાના છે. આ MoU પર હસ્તાક્ષર કરવાના અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.