ગુજરાત વિધાનસભામાં ભાજપના દંડક તરીકે કયા ધારાસભ્યની કરાઈ નિમણૂંક?
ગુજરાત વિધાનસભામાં ભાજપના દંડક તરીકે રમેશ કટારાની નિમણુંક કરવામાં આવી છે. રમેશ કટારા ફતેપુરાના ભાજપના ધારાસભ્ય છે. મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ યથાવત રહેશે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભાજપના દંડક તરીકે રમેશ કટારાની નિમણુંક કરવામાં આવી છે. રમેશ કટારા ફતેપુરાના ભાજપના ધારાસભ્ય છે. મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ યથાવત રહેશે.
વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષની ચૂંટણીમાં ઉભા રહેશે.
નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું છે. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.
નોંધનીય છે કે, ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવાયા હતા. બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. અગાઉ ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે એવી ચર્ચા છે કે, ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ બનાવાશે.
જો નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના સ્પીકર બનશે તો તેઓ રાજ્યની વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર ગણાશે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.