કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી 14 જેટલા ડેમ ઓવરફ્લો
જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ આવેલા છે. જેમાંથી 14 ડેમ ઓવરફ્લો થતા સિંચાઈ માટેનું ખેડૂતો માથેથી સંકટ ટળ્યું છે.
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી 14 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ આવેલા છે. જેમાંથી 14 ડેમ ઓવરફ્લો થતા સિંચાઈ માટેનું ખેડૂતો માથેથી સંકટ ટળ્યું છે. નાની સિંચાઈ યોજના 170 પૈકી 95 ડેમમાં પણ નવા નીર આવ્યા છે. અબડાસા તાલુકાનો કંકાવીટ, જંગડીયા, મીટ્ટી, બેરાચીયા ડેમ પણ ઓવરફ્લો થયા છે. ભૂજ તાલુકાના રૂદ્રમાતા, કાયલા ડેમ પણ સંપૂર્ણ ભરાયા છે. બીજી બાજૂ નખત્રાણા તાલુકાનો નિરોણા, મથલ અને ભુખી ડેમ ઓવરફ્લો થયો છે.
રાજ્યમાં 28 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે
ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત તો જળમય છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સીઝનનો વરસાદ 100 ટકાને પાર પહોંચી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 57 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 72 ટકા અને મધ્ય ગુજરાતમાં 44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 32 ટકા વરસાદ વરસ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની આવક સતત થઈ રહી છે. રાજ્યમાં 28 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 42 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 13 ડેમએલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 68 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 67 ટકા પાણીનો જથ્થો છે.. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.
ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે. 5 દિવસમાં 15 ફૂટ સપાટી વધતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના સિઝનની શરૂઆતમાં ડેમમાં 1752 MCM પાણીની આવક થઈ છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી છે. તમને જણાવી દઈએ કે, ઉકાઇ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની 3 લાખ 10 હજાર હેક્ટર જમીનમાં ઉકાઇ ડેમની સિંચાઈની વ્યવસ્થા થાય છે. ઉકાઈમાં પાણીની આવક થતા 5 લાખ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત સુરત શહેર સહિત જિલ્લાના 80 લાખ લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષે છે ઉકાઈ.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં વરસાદનું જોર આંશિક રીતે ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જિલ્લાના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં ૫ ઈંચ, નવસારીના ખેરગામ તથા ચીખલી તાલુકામાં ૪-૪ ઈંચ, ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.