રાજ્યમાં ભૂમાફિયાઓની નથી ખેર, સરકારી જમીન પર દબાણ કર્યું તો ગયા કામથી સમજો
રાજ્યમાં ભૂમાફિયાઓએ સરકારી કિંમતી જમીનો પર દબાણ કર્યું હોવાના એક પછી અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે
ગાંધીનગરઃ રાજ્યમાં ભૂમાફિયાઓએ સરકારી કિંમતી જમીનો પર દબાણ કર્યું હોવાના એક પછી અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. સરકારી ખુલી જમીનો પર ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ વધી રહ્યુ હોવાનો મહેસૂલ વિભાગના એક પરિપત્રથી ખુલાસો થયો છે. મહેસૂલ વિભાગે ગઈકાલે જાહેર કરેલ પરિપત્રમાં આ પ્રકારનું દબાણ હટાવવા તેમજ નવુ દબાણ ન થાય તેનું ધ્યાન રાખવા મહેસૂલ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી છે.
દબાણો મુદ્દે કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલા મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા સામે શિસ્તવિષયક પગલા ભરવાની પણ સૂચના અપાઈ છે. જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો હોય તેને હટાવવાની કામગીરી કરવાના આદેશો અપાયા છે. ગેરકાયદેસર દબાણો કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જે તે વિસ્તારોની ખુલી જમીનોની વીડિયોગ્રાફી કરાવી તેમજ ત્યાર બાદ કોઈપણ પ્રકારનું દબાણ ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું જણાવ્યું છે. સાથે જ સરકારી જમીનો પર જ્યાં ઔદ્યોગિક કે કોમર્શિયલ દબાણો થયુ હોય ત્યાં લાઈટ, પીવાના પાણી અને ગટરના જોડાણ ન મળે તેવી પાક્કી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપવા કલેક્ટરોને સૂચના અપાઈ છે.