Gujarat Cold: રાજ્યમાં કાતિલ ઠંડીથી ઠુંઠવાવા માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ગઈ છે. કડકતી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયાર રહેજો.આવતીકાલથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ગઈ છે. કડકતી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયાર રહેજો.આવતીકાલથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.હવામાન વિભાગ મુજબ પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.
રાત્રિના સમયે ઠંડી યથાવત રહેશે
ગુજરાતમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન, રાજકોટ અને ભૂજમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા થોડુ વધારે હોવા છતા રાત્રિના સમયે ઠંડી યથાવત રહેશે.
નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું
રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં સતત બે દિવસથી ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું છે. 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.
બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો 11 ડીગ્રીએ પહોંચ્યો છે. બીજી તરફ ગુજરાતના સૌથી હરિયાળા શહેર ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.2 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે કચ્છના ભૂજમાં 11.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે.
પહાડી વિસ્તારોમાં બરફવર્ષા
આવતીકાલે 6 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની અપેક્ષા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે. કાશ્મીરના ડોડા, બડગામ અને શોપિયાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય કેટલાક પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ રહી છે.
હિમાચલ પ્રદેશના ચંબા, રોહતાંગ, કિન્નૌર અને મનાલીના ઊંચા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તમિલનાડુમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષાના કારણે કાતિલ ઠંડીનો ચમકારો વધી ગયો છે.




















